વોશિંગ્ટનઃ અમેરિકાએ પોતાના દેશમાં સૌથી મોંઘી દવાને મંજૂરી આપી દીધી છે. આ દવા બાળકોના જન્મ બાદ તેમના વિકાસની સાથે જ નબળાં પડતાં હાડકાની બીમારીને દૂર કરવા માટે તૈયાર કરવામાં આવી છે. મહત્વનું છે કે અમેરિકા સહિત વિશ્વમાં ઘણાં બાળકોને જન્મતાંની સાથે જ સ્પાઈનલ મસ્ક્યૂલર એટ્રોફી નામની બિમારી થાય છે. આ સમસ્યાના કારણે બાળકના હાડકાં ખૂબ નબળા પડી જાય છે અને સ્થિતિ એ થાય છે કે બાળકો હલનચલન પણ નથી કરી શકતાં અને ત્યાં સુધી કે એક તબક્કે તો તેઓ શ્વાસ પણ નથી લઈ શકતાં.
આ બીમારીને નાથવા અને પહોંચી વળવા માટે નોવાર્ટિસ નામની એક કંપની દ્વારા આ દવા તૈયાર કરવામાં આવી છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ આ દવાને મંજૂરી આપવામાં આવી છે. આ દવા 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઉપયોગમાં લેવામાં આવશે. જો કે આ દવાનો ઉપયોગ એક જ વાર કરવામાં આવશે અને તેના ઉપચાર માટે એક કલાક જેટલો સમય લાગશે.
દવા તૈયાર કરનારી કંપની નોવારટીસે દાવો કર્યો છે કે જો દવા કામ ન કરે તો રિફન્ડ આપવામાં આવશે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આ સિવાય અન્ય બે દવાઓને પણ મંજૂરી આપવામાં આવી છે. આનું નામ બાયોજેન અને સ્પાઇરાઝાસ મેકર છે. બંને દવાની કીંમત આશરે 7,50,000 ડૉલર( લગભગ 4 કરોડ 57 લાખ 50 હજાર ) અને 3,50,000 ડૉલર છે. આ બંને દવા દર ચાર મહિને આપવાની હોય છે.
આ દવા Zolgensma બાળકના શરીરમાંથી નાશ થઈ રહેલા દુષિત જીન્સના બદલે સારા જીન્સ તૈયાર કરવાનું કામ કરશે અને શરીરમાં જોઈતું પૂરતું પ્રોટીન તૈયાર કરશે. આવું થવાના કારણે બાળકોનો સબળ વિકાસ થશે. ક્લિનીકલ ટ્રાયલમાં કંપનીને 6 મહિનાના બાળક પર પ્રયોગ કરવામાં સફળતા મળી હતી. અમેરિકામાં દર વર્ષે ઓછામાં ઓછા 400 બાળકો આ પ્રકારની સમસ્યા સાથે જન્મે છે, જેમના માટે અને વિશ્વમાં આ દવા રામબાણ ઇલાજ સાબિત થશે.