અબુ ધાબી – અબુ ધાબીમાં કોર્ટના કામકાજોમાં હવેથી હિન્દી ત્રીજી સત્તાવાર ભાષા બની છે. ન્યાય મેળવવાની પદ્ધતિને સુધારવાના પ્રયાસના ભાગરૂપે શાસકોએ આ નિર્ણય લીધો છે.
હવેથી વિદેશી નાગરિકો હિન્દી ભાષામાં પણ એમના દાવા નોંધાવી શકશે અને ફરિયાદો કરી શકશે. ભારતમાંથી ઘણા હિન્દીભાષીઓ અને હિન્દી ભાષા જાણતા લોકો સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)માં કામ-ધંધો કરે છે. આવા કામદારો શ્રમિક કાયદાઓમાં હવેથી હિન્દી ભાષાનો પણ ઉપયોગ કરી શકશે.
અત્યાર સુધી અબુ ધાબીમાં એવો કાયદો હતો કે બચાવ પક્ષ જો અરબી ભાષા જાણતો ન હોય તો ફરિયાદીએ તમામ કોર્ટ દસ્તાવેજો અંગ્રેજીમાં અનુવાદિત કરાવવા.
અબુ ધાબીના ન્યાય મંત્રાલયે કહ્યું છે કે કાયદામાં આ સુધારો થવાથી હિન્દીભાષીઓને પણ કાયદાની પ્રક્રિયાઓ તથા એમના અધિકારો અને જવાબદારીઓ વિશે જ્ઞાન મેળવવાનો મોકો મળશે. હવે એમને ભાષાનો અવરોધ નહીં નડે. કાયદા મંત્રાલયની વેબસાઈટ ઉપર હિન્દી ભાષામાં પણ ફોર્મ્સ ઉપલબ્ધ કરાશે.
અબુ ધાબીની કાયદા પદ્ધતિમાં કરવામાં આવેલા આ ફેરફાર-સુધારાથી આ દેશમાં વિદેશી મૂડીરોકાણનું આકર્ષણ પણ વધશે અને આ દેશમાં માત્ર કૌશલ્યવાન લોકોને જ કામ પર રાખવામાં આવે છે એવી અબુ ધાબીની પ્રતિષ્ઠા વધશે.
ગયા નવેંબરમાં, અબુ ધાબીએ નિર્ણય લીધો હતો કે અરબી ભાષા જાણતા ન હોય એવા બચાવ પક્ષનાં લોકોને સિવિલ તથા કમર્શિયલ કોર્ટ કેસોમાં તમામ દસ્તાવેજો અંગ્રેજીમાં પણ પૂરા પાડવા.
હવે આ નિર્ણયમાં હિન્દી ભાષાનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.