અમેરિકામાં આવવાનું છે ભયંકર તોફાન, ટ્રમ્પે લોકોને એલર્ટ કર્યા…

વોશિંગ્ટનઃ અમેરિકાના ફ્લોરિડા બાજુ ચક્રવાતી તોફાન હરિકેન ડોરિયન તેજીથી આગળ વધી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને આ મામલે જાણકારી આપી છે. સાથે જ તેમણે લોકોને એલર્ટ રહેવા પણ જણાવ્યું છે.

ટ્રમ્પે ટ્વીટ કર્યું કે, પ્યૂર્ટો રિકો નજીક હરિકેન ડોરિયન તોફાન પહોંચી ગયું છે. આ માઠા સમાચાર છે. ફ્લોરિડાના લોકો સચેત રહેજો, તોફાન આવવાનું છે. આ તોફાન ભીષણ રુપ લઈ શકે છે.

ટ્રમ્પે કહ્યું કે હરિકેન ડોરિયન તોફાન રવિવારે રાત સુધીમાં ફ્લોરિડામાં પહોંચી શકે છે. ફ્લોરિડાના લોકો તૈયાર રહો અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના નિર્દેશોનું પાલન કરો. આ તોફાન ભીષણ તબાહી મચાવી શકે છે. આ પહેલા વર્ષ 2017માં અમેરિકાના ફ્લોરિડામાં તોફાન ઈરમાએ તબાહી મચાવી હતી. જેમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ગત વખતે જ્યારે ફ્લોરિડામાં તોફાન આવ્યું હતું, તો ભારતીય મૂળના હજારો અમેરિકી નાગરિકો સહિત લાખો લોકોને રાજ્યમાંથી બહાર ખસેડવામાં આવ્યા હતા. આ સીવાય આ વર્ષની શરુઆતમાં અમેરિકાના અલબામા અને જ્યોર્જિયા શહેરમાં ચક્રવાતે ભારે તબાહી મચાવી હતી, જેની ઝપેટમાં આવવાથી બે ડઝનથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ચક્રવાતમાં ઘણા ઘર પૂર્ણ રીતે બરબાદ થઈ ગયા હતા. આ ચક્રવાતમાં અલબામામાં 22 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ પણ થઈ ગયા હતા.