બ્રિટનનું એક સ્થળ, જે સર્જી શકે છે હીરોશીમા પરમાણુ હુમલાને ભૂલાવે એવી દુર્ઘટના

નવી દિલ્હી- વિશ્વના અનેક દેશો છૂપી રીતે તેમની પરમાણુ ક્ષમતામાં વધારો કરતા હોવાના અહેવાલો પ્રકાશમાં આવતાં હોય છે. આ બધાં વચ્ચે યૂકે (યૂનાઈટેડ કિંગડમ) ના સેલાફિલ્ડ ન્યૂક્લિયર પ્લાન્ટમાં ઈતિહાસનો સૌથી મોટો પરમાણુ ખતરો હોવાના સમાચારે વિશ્વને ચોંકાવી દીધું છે. ધ સન સમાચારપત્રના એક રિપોર્ટ અનુસાર જો આ પ્લાન્ટમાં દુર્ઘટના થશે તો તે ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટમાં થયેલી દુર્ઘટના અને હિરોશીમા પરમાણુ હુમલા કરતાં પણ અનેકગણી ઘાતકી સાબિત થઈ શકે છે. આ સાથે જ સેલાફિલ્ડના આ પ્લાન્ટને પશ્ચિમ યુરોપની સૌથી ખતરનાક ઈમારત ગણાવી છે.

બ્રિટનના ધ સન સમાચારપત્રના રિપોર્ટ અનુસાર છેલ્લા બે વર્ષોમાં લંડન સ્થિત આ પરમાણું પ્લાન્ટમાં ઓછામાં ઓછી 25 ખામીઓ જોવા મળી છે. આ તમામ ખામીઓ સુરક્ષાની દ્રષ્ટીએ મોટો ખતરારૂપ હોવાનું કહેવામાં આવ્યું છે. આ રિપોર્ટ અનુસાર એક મામલો એ પણ હતો કે, પાણીની લાઈનથી રેડિયેશન ફેલાઈ રહ્યું છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે લાઈન લિકેજ છે.

 

આ ઉપરાંત અહીં અવાર નવાર એવા કન્ટેનરોને ખુલ્લા છોડી દેવામાં આવે છે જેમાં પરમાણું કચરો ફેકવામાં આવે છે. રિપોર્ટ અનુસાર અહીં યૂરેનિયમ પાઉડર પણ વેરાયેલો જોવા મળ્યો છે. આ ઉપરાંત કેટલાક તુટેલા પાઈપોમાંથી એસિડ લિકેજ થતું હોવાનું પણ જાણવા મળ્યું હતું.

આ પરમાણું પ્લાન્ટનો જૂનો રેકોર્ડ જોઈએ તો, ઓક્ટોબર 2017માં એક ગંભીર રસાયણને કારણે અહીંની પરિસ્થિતિ બેકાબુ બની ગઈ હતી. ત્યારબાદ બોમ્બ નિરોધક ટીમને બોલાવામાં આવી હતી. તેના એક મહિના પછી પ્લાન્ટમાં કામ કરતા એક કર્મચારી ઓછા સ્તરના રેડિયેશનનો શિકાર થયો હોવાની પણ જાણાકારી મળી હતી. આ ઉપરાંત આ વર્ષની શરુઆતમાં હાઈ વોલ્ટેજ વીજળીનો તાર તુટવાને કારણે પ્લાન્ટની વીજળી ગૂલ થઈ ગઈ હતી જેથી ન્યૂક્લિયર રેગ્યુલેશન ઓફિસ ત્યાંથી હટાવી દેવામાં આવી. એ સમયે કહેવામાં આવ્યું હતું કે, ઓફિસના સમારકામ માટે આવું કરવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય મીડિયાનું માનવું છે કે, કંબ્રિયા નામના આ પરિસરમાં 140 ટન રેડિયોએક્ટિવ પદાર્થ પ્લૂટોનિયમનો ભંડાર છે. આ ઉપરાંત અંહી યૂકેના કાર્યરત પરમાણું રિએક્ટરોનો નકામો કચરો પણ ઠાલવામાં આવે છે. આજ કારણે આ જગ્યાને સૌથી ખતરનાખ જાહેર કરવામાં આવી છે. આ પ્લાન્ટની આસપાસ પ્લાન્ટમાં કામ કરતા મજૂરોના પરિવાર રહે છે. આ સ્થિતિમાં જો એવી કોઈ દૂર્ઘટના સર્જાશે તો તેમાં સૌથી પહેલા શિકાર આ પ્લાન્ટમાં કામ કરતા મજૂરો અને તેના પરિવારજનો બનશે.

પ્લાન્ટના પ્રવક્તાએ કહ્યું કે, છેલ્લા બે વર્ષોમાં અહી કોઈ મોટી ખામી નથી સર્જાઈ. તેમણે કહ્યું કે, અમે તમામ પારદર્શિતાને લઈને પ્રતિબદ્ધ છીએ. અને નાનામાં નાની ખામીની પણ યોગ્ય રીતે તાપસ કરવામાં આવે છે. પારદર્શિતા માટે કરવામાં આવતી તપાસની રિપોર્ટ અમે અમારી વેબસાઈટ પર પણ અપલોડ કરીએ છીએ.

કેટલી ખતરનાક હતી ચરનોબિલ પરમાણું દૂર્ઘટના

પરમાણું પ્લાન્ટ મામલે અત્યાર સુધીનો સૌથી ખતરનાક કોઈ દૂર્ઘટના હોય તો તે છે ચરનોબિલ પરમાણું પ્લાન્ટ દૂર્ઘટના. 26 એપ્રિલ 1986ના રોજ યૂક્રેનના ચરનોબિલ સ્થિત પરમાણું પ્લાન્ટમાં બ્લાસ્ટ થતાં 50 લોકોના મોત થયાં હતાં. યૂક્રેન અને બેલારૂસના 50 લાખથી વધુ લોકો રેડિયેશનની ઝપેટમાં આવી ગયા હતાં. જેના કારણે આજે પણ અનેક લોકોના બાળકો ખોડખાપણ વાળા જન્મે છે. જાણકારોનું કહેવું છે કે, જો બ્રિટનના આ પ્લાન્ટમાં આવી કોઈ દૂર્ઘટના થશે તો ચરનોબિલની દૂર્ઘટના કરતા પણ વધુ ખતરનાક અને વિનાશકારી હશે.