નવી દિલ્હી- કુદરતની ક્યારેક અજબગજબની ઘટનાઓ સામે આવતી હોય છે. વિશ્વાસ નથી થતો કે આવું પણ થઈ શકે છે. પાકિસ્તાનમાં કંઈક એવું જ થયું છે. પાકિસ્તાનના ગ્વાદરના દરિયા નજીક બનેલો એક દ્વીપ રાતોરાત ગાયબ થઈ ગયો છે. એ દ્વીપ જે છેલ્લાં કેટલાક વર્ષોથી લોકો માટે આશ્ચર્યનો સબબ બન્યો હતો. તે અચાનક ગાયબ થઈ ગયો છે. આ એક રહસ્ય છે કે, એક ટાપુ અચાનક બને છે અને પછી અચાનક જ સમુદ્રમાં ગાયબ થઈ જાય છે. પાકિસ્તાનમાં ગ્વાદરની નજીક આ દ્વીપ 2013માં જોવા મળ્યો હતો. 6 વર્ષ પછી હવે તે ફરી સમુદ્રમાં ગાયબ થઈ ગયો છે.
પાકિસ્તાનમાં 2013માં ભયાનક ભૂકંપ આવ્યો હતો. 7.7 ની તીવ્રતાના એ ભૂકંપની ઝપેટમાં આવીને 330થી વધુ લોકોનું મોત થયું હતું. આ શક્તિશાળી ભૂકંપનું કેન્દ્ર બલૂચિસ્તાનના અવારાન પ્રાંતથી અંદાજે 69 કિલોમીટર દૂર હતો. ભૂકંપના ઝટકા કરાચી, હૈદરાબાદ,લરકાના અને સિંધના શહેરોમાં અસર જોવા મળી હતી. પરંતુ ગ્વાદરની કહાની અલગ હતી.
ભૂકંપ પછી અહીંના લોકોએ સમુદ્રમાં થોડા અંતરે એક ટાપુને બનતો જોયો. નજરે જોનારાને સમજાતું ન હતું કે, સમુદ્રની વચ્ચે આ ટાપુ અચાનક કેવી રીતે બની ગયો. લોકો નૌકાની મદદથી ટાપુ પર પહોંચ્યાં. ત્યાં લોકોએ જોયું કે, ટાપુ કીચડ, રેતી અને પથ્થરોથી ભરેલો હતો. ઈંડાની આકારના આ ટાપુ પર લોકોએ મૃત્યુ પામેલી માછલીઓ જોઈ. કેટલીક જગ્યાઓ પરથી મિથેન જેવો ગેસ નિકળી રહ્યો હતો. ત્યાં દિવાસળી સળગાવાથી આગ ભડકી રહી હતી. એક વખત આગ લાગતાં મહામુશ્કેલીએ આગ પર કાબૂ મેળવાયો હતો.
ટાપુનું નામ આપવામાં આવ્યું જલજલા કોહ
2013માં લોકો માટે આશ્ચર્યકારક ઘટના હતી. ઈંડાના આકારનો આ ટાપુ અંદાજે 295 ફૂટ લાંબો અને 130 ફૂટ પહોળો હતો. સમુદ્ર સપાટીએથી તેની ઉંચાઈ અંદાજે 60થી 70 ફૂટ હતી. લોકોએ તેમનું નામ જલજલા કોહ રાખ્યું. જેનો અર્થ એવો થાય છે કે, ભૂકંપનો પહાડ.પછી વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ભૂકંપ દરમિયાન ટેક્ટોનિક પ્લેટોના ઘર્ષણને કારણે ટાપુનું નિર્માણ થયું છે. અરેબિયન ટેક્ટોનિક પ્લેટ અને યૂરેશિયન પ્લેટ એકબીજા સાથે અથડાઈ, જેના કારણે સમુદ્રની સપાટી પર પ્રેશર બન્યું અને પાણીસપાટીની ઉપર ઉભરી આવ્યું.
2013ના ભૂકંપમાં આ ટાપુ બન્યો હતો. હવે નાસાએ અહીંની નવી તસવીર જાહેર કરી છે. જેમાં ટાપુ દૂર દૂર સુધી ક્યાંય નજરે પડતો નથી. ટાપુ સમુદ્રની વચ્ચેથી ગાયબ થઈ ગયો છે. 2013માં ભૂકંપ પછી બનેલા ટાપુને જોઈને ત્યાંના કેટલાક વૃદ્ધ લોકોએ જણાવ્યું કે, આવું અહીં પહેલાં પણ થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું હતું કે, 60-70 વર્ષ પહેલાં પણ આવી જ એક ઘટનામાં ટાપુનું નિર્માણ થયું હતું. આ વાતને નકારી પણ ન શકાય. કારણ કે, 1945માં ગ્વાદરથી અંદાજે 100 કિલોમીટર પૂર્વમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો.