શ્રીલંકાના જળસીમામાં 8 ભારતીય માછીમારોની ધરપકડ, 2 બોટ પણ જપ્ત

શ્રીલંકાના નૌકાદળે રવિવારે તેના પ્રાદેશિક જળસીમામાં માછીમારી કરવા બદલ 8 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી. બે ફિશિંગ બોટ પણ જપ્ત કરવામાં આવી હતી. શ્રીલંકાની સરકાર દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, શ્રીલંકાની નૌકાદળે શનિવારે રાત્રે મનરારની ઉત્તરમાં વિશેષ ઓપરેશન હાથ ધરીને આ લોકોની ધરપકડ કરી છે.

શ્રીલંકન નેવીએ કહ્યું કે, 11 જાન્યુઆરીની રાત્રે ભારતીય માછીમારોનું એક જૂથ લંકાના જળસીમામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરતા જોવા મળ્યું હતું. જે બાદ નેવીએ ફાસ્ટ એટેક ક્રાફ્ટ અને ઇનશોર પેટ્રોલ ક્રાફ્ટ દ્વારા આ લોકો સામે ઓપરેશન હાથ ધર્યું હતું. ભારતીય માછીમારોને આગળની કાર્યવાહી માટે ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં 18 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 3 બોટ જપ્ત કરવામાં આવી છે. ભારત સરકારના ડેટા અનુસાર, 2024માં શ્રીલંકા દ્વારા રેકોર્ડ 535 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી, આ સંખ્યા 2023ની સંખ્યાની સરખામણીએ લગભગ બમણી છે. 29 નવેમ્બર, 2024 સુધીમાં 141 ભારતીય માછીમારો શ્રીલંકાની જેલમાં હતા અને 198 ટ્રોલર્સ જપ્ત કરવામાં આવ્યા હતા. માછલીઓની સંખ્યા ઘટવાને કારણે માછીમારો માછીમારી માટે શ્રીલંકાના ટાપુઓ (ખાસ કરીને કાચાથીવુ અને મન્નારની ખાડી) પર જાય છે. જો કે, ત્યાં પહોંચવાના માર્ગમાં એક આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ છે, જે ભારતીય માછીમારોએ પાર કરવી પડે છે. શ્રીલંકાની નૌકાદળ આ મર્યાદા વટાવતા જ ભારતીય માછીમારોની ધરપકડ કરે છે.