વોશિંગ્ટન- અમેરિકાના 44 રાજ્યમાં 20 જેનરિક દવા કંપનીઓ વિરુદ્ધ કેસ કરવામાં આવ્યાં છે. જેમાં ભારતની 7 કંપનીઓ પણ છે. આ 7 કંપનીઓમાંથી 5 કંપનીને અટોર્ની જનરલની નોટિસ મળી છે જ્યારે બાકીની કંપનીઓને ન્યાયવિભાગની તપાસનો સામનો કરવો પડશે. દાખલ કરાયેલાં કેસો પૈકી ભારતીય કંપની ગ્લેનમાર્કને સૌથી વધુ 87.3 કરોડ ડોલર-લગભગ 5325 કરોડ રુપિયાનો દંડ થાય તેવી શક્યતા છે.આ બધી દવા કંપનીઓ ઉપર આરોપ છે કે તેમણે 2013થી 2015 વચ્ચે 112 દવાઓના ભાવ કૃત્રિમપણે વધારવા માટે એકજૂટ થઈ ગઇ હતી. જે ભારતીય દવાકંપનીઓ પર કેસ કરવામાં આવ્યાં છે તે વોટહાર્ડ્ટ, ડ઼. રેડ્ડીઝ લોબોરેટરીઝ, અરબિંદો ફાર્મા, ગ્લેનમાર્ક, લ્યૂપિન, ઝાયડસ ફાર્મા અને ટારો ફાર્માસ્યૂટિકલ્સનો સમાવેશ થાય છે.
કેસની વિગતોને લઇને એક ફાઈનાન્સિઅલ રીપોર્ટ પ્રમાણે તપાસ કેટલાંક વર્ષથી ચાલી રહી છે, પરંતુ સોમવારે દાખલ થયેલી કેસની કારણે કંપનીઓએ લાખો ડોલરનો દંડ ભરવો પડી શકે છે. અમેરિકાના કાયદા પ્રમાણે વધુમાં વધુ 10 કરોડ ડોલરનો દંડ થઈ શકે છે. તેમ જ કંપનીઓના ષડયંત્રના કારણે વેપારમાં કેટલી અસર પડી તે જોઇને દંડની અધિકતમ રકમમાં વધારો થઇ શકે છે.
ભારતીય કંપનીઓમાં ગ્લેનમાર્કને સૌથી વધુ 87.3 કરોડ ડોલર જેટલો દંડ ભરવો પડી શકે છે. જ્યારે અરબિંદો ફાર્માને ઓછામાં ઓછો 1.3 કરોડ ડોલરનો દંડ થઈ શકે છે.ભારતની સૌથી મોટી દવા કંપની સનફાર્માની સહાયક કંપની ટારો ફાર્માસ્યૂટિકલ્સ પર પણ 2.38 ડોલરનો-લગભગ 166 કરોડ-નો દંડ લાગી શકે છે જોકે, ગ્લેનમાર્કે પોતાના ઉપર લગાવાયેલાં આરોપોને ફગાવી દીધાં છે અને કહ્યું છે કે તે આ કેસમાં અમેરિકાની સંઘીય અદાલતમાં જઈ શકે છે.રીપોર્ટ પ્રમાણે જે કંપનીઓ એકથી વધુ દવાઓ મામલે કેસમાં ફસાઈ છે તે કંપનીઓ મામલો જલદીથી પૂરો થાય તેના પર પગલાં લઇ શકે છે કારણ કે તેમના માટે ઘણું બધું દાવ પર લાગેલું છે. કેસમાં આરોપ લગાવવામાં આવેલો છે કે કંપનીઓએ અન્ય કંપનીઓ સાથે મળીને એક એવી સ્વીપિંગ યોજના કરી કે જેનાથી દવાઓનો ભાવ વધી ગયો. અમુક દવાઓના ભાવમાં તો 1000 ગણો વધારો થઇ ગયો. એક આરોપ મુજબ તેવા ફાર્માસ્યૂટિકલ્સ યુએસએ ઇન્કે 19 અન્ય કંપનીઓ સાથે મળી આશરે 112 જેનરિક દવાઓના ભાવ વધારી દીધાં અને બીજી 86 દવાઓના ભાવ પોચાની પ્રતિસ્પર્ધીઓ સાથે મળીને વધાર્યાં હતાં.