ઢાકાઃ બાંગ્લાદેશમાં 19 વર્ષની એક યુવતીને યૌન ઉત્પિડન વિરુદ્ધ ફરિયાદ કરવાની સજા ભોગવવી પડી અને મોતને ભેટવું પડ્યું. 19 વર્ષની નુસરત જહાન રફીને તેની જ શાળામાં જીવતી સળગાવીને મારી નાંખવામાં આવી. નુસરતે બે સપ્તાહ પહેલા જ પોતાના ટીચર વિરુદ્ધ યૌન ઉત્પીડનની ફરિયાદ નોંધાવી હતી. નુસરત ઢાકાથી આશરે 160 કિલોમીટર દૂર નાના કસબા ફેનીમાં રહેતી હતી. તે ત્યાંના એક મદરેસામાં ભણી રહી હતી. નુસરતની ફરિયાદ અનુસાર, 27 માર્ચના રોજ તેના હેડમાસ્તરે આ દીકરીને પોતાની કેબિનમાં બોલાવી અને અડપલા કરવા માંડ્યો. જો કે આ હવસખોર દીકરીની જિંદગી પીંખી નાંખે તે પહેલાં દીકરી ત્યાંથી ભાગી ગઈ.
બાંગ્લાદેશમાં ઘણા એવા પણ મામલાઓ સામે આવ્યા છે જ્યારે મહિલાઓ સમાજમાં પોતાની અને પરિવારની બદનામીના ડરથી પોતના સાથે થયેલા યૌન ઉત્પીડન વિરુદ્ધ અવાજ નથી ઉઠાવતા. નુસરતે ન માત્ર પોતાની સાથે થયેલા અપરાધ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો પરંતુ પોતાના પરિવાર સાથે તે જ દિવસે ઘટનાને લઈને પોલીસમાં ફરિયાદ પણ કરી.
પ્રાપ્ત વિગતો અનુસાર સ્થાનીય પોલીસ સ્ટેશનમાં નુસરતે નિવેદન આપ્યું. આ દરમિયાન નુસરતને પોતાનું નિવેદન આપવા માટે સુરક્ષિત માહોલ આપવાનો હતો, પરંતુ આની જગ્યાએ જ્યારે દીકરી નિવેદન આપી રહી હતી, તો ઓફિસર ઈન્ચાર્જ આ બધું પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરતાં હતાં.
દીકરીની ફરિયાદ બાદ પોલીસે હેડમાસ્તરની ધરપકડ કરી લીધી. ત્યારબાદ કેટલાક લોકો એકત્ર થઈને હેડમાસ્તરને છોડવા માટે માંગ કરવા લાગ્યા. પોલીસમાં આ મામલાની ફરિયાદ બાદ નુસરત માટે મુશ્કેલીઓ ઉભી થઈ હતી. કેટલાક લોકોએ નુસરતને ખોટી પણ ગણાવી. ત્યારે ચારેબાજુ ટીકાઓ થતા પરિવારો પોતાની સેફ્ટીને લઈને ચિંતા પણ જાહેર કરી.
આ તમામ ઘટનાક્રમ બાદ 6 એપ્રિલના રોજ નુસરત પોતાની વાર્ષિક પરીક્ષા આપવા શાળામાં ગઈ હતી. નુસરતના ભાઈ મહમુદુલ હસન નોમાને જણાવ્યું કે હું મારી બહેનને શાળાએ લઈને ગયો હતો અને જ્યારે મેં શાળાના પરિસરમાં જવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને રોકી લેવામાં આવ્યો. નુસરતના ભાઈએ જણાવ્યું કે મને રોકવામાં ન આવ્યો હોત તો મારી બહેન સાથે આવું ન થાત.
પ્રાપ્ત વિગતો અનુસાર નુસરતની સાથે ભણતી એક વિદ્યાર્થીની તેને પોતાની સાથે છત પર લઈ ગઈ. જ્યારે નુસરત છત પર પહોંચી ત્યારે ત્યાં 4-5 લોકો બુરખો પહેરીને ઉભા હતા, તેમણે નુસરતને ઘેરી લીધી અને હેડમાસ્ટર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદ પાછી લેવા જણાવ્યું. જ્યારે નુસરતે ફરિયાદ પાછી લેવાની ના પાડી તો, નુસરતને આગના હવાલે કરી દેવામાં આવી.
પોલીસ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનના પ્રમુખ બનાજ કુમાર મજૂમદારે કહ્યું કે, હત્યારાઓ ઈચ્છતા હતા કે આ તમામ ઘટનાક્રમ આત્મહત્યા જેવો લાગે. પરંતુ આ લોકોનો પ્લાન તે સમયે નિષ્ફળ ગયો, જ્યારે નુસરતને હોસ્પિટલ લાવવામાં આવી અને મૃત્યુ પહેલા નુસરતે હત્યારાઓ વિરુદ્ધ નિવેદન આપી દીધું.
10 એપ્રીલના રોજ નુસરતનું મૃત્યું થયું. પોલીસે હત્યાના આરોપમાં 15 લોકોની ધરપકડ કરી. આ પૈકી સાત લોકો સીધી રીતે હત્યામાં શામિલ હતા. આ પૈકી બે વિદ્યાર્થીઓ એ પણ હતા, કે જેમણે હેડમાસ્તરને જેલથી છોડાવવા માટે પ્રદર્શન કર્યું હતું. પોલીસે હેડમાસ્ટરની પણ ધરપકડ કરી લીધી અને નુસરતની આપવાતી સંભળાવતા સમયે રેકોર્ડિંગ કરનારા પોલીસ કર્મચારીને પણ તેના પદ પરથી હટાવી દઈને અન્ય ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા.
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ નુસરતના પરિવાર સાથે ઢાકામાં મુલાકાત કરી અને વચન આપ્યું કે નુસરતની હત્યામાં સંડોવાયેલા પ્રત્યેક વ્યક્તિને સજા મળશે. તેમણે કહ્યું કે પ્રત્યેક દોષી વ્યક્તિ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.