આશ્ચર્યજનક અને ભયસૂચકઃ 1 દિવસમાં દરિયામાં ઠલવાયું 10 બિલિયન ટન બરફનું પાણી!

વોશિગ્ટન પેટ્રો- તાજેતરમાં બહાર આવેલી એક માહિતીએ જાણકારોના શ્વાસ અદ્ધર કરી દીધાં છે. જ્યારે જાણવા મળ્યું કે એક જ દિવસમાં 10 બિલિયન ટન બરફ ઓગળી ગયો છે. ગ્રીનલેન્ડમાં રહેલ વિશ્વની બીજા નંબરની સૌથી મોટી બરફની ચાદર (Ice Sheet)નું અચાનક ખૂબ જ ઝડપથી પીગળવાનું શરુ થઈ ગયું છે. તેની પાછળનું કારણ યૂરોપની ગરમ હવા છે.  ગરમ હવા ઉત્તરી આફ્રિકાથી ફરીને યૂરોપ પહોંચી રહી છે. આ જ કારણ છે કે, છેલ્લા દિવસોમાં અહીંના તાપમાનમાં રેકોર્ડ 4 ડિગ્રી સુધીનો વધારો નોંધાયો છે.

ગ્રીનલેન્ડની બરફની ચાદર પીગળવાના મામલે ગત 31 જુલાઈએ છેલ્લા 7 વરસનો સૌથી મોટો મેલ્ટડાઉન(બરફનું પીગળવું) નોંધાયું હતું. ગ્રીનલેન્ડના બર્ફિલા પહાડોમાંથી એક દિવસમાં અબજો લીટર પાણીનો ઉમેરો એટલાન્ટિક સમુદ્રમાં થયો હતો. એક નિષ્ણાતના મતે ગ્રીનલેન્ડના મહત્વપૂર્ણ આઈસ-કવર(બરફની ચાદરો)માંથી 60 ટકા જેટલો હિસ્સો પીગળવાની અણી પર છે. પોલાર પોર્ટલ નામની સંશોધન સંસ્થાની વેબસાઈટ પ્રમાણે એક જ દિવસમાં આશરે 10 બિલિયન ટન જેટલો બરફ પીગળી ગયો હતો. આ અભ્યાસ પ્રમાણે માત્ર જુલાઈ મહિનામાં 197 બિલfયન ટન જેટલું પાણી બરફમાંથી પીગળીને સમુદ્રમાં ઠલવાયું છે, જે દરિયાઈ સપાટીમાં આશરે 0.02 ટકા જેટલો વધારો કરી શકે છે.

યૂનાઈટેડ નેશનની વિશ્વ મોસમ સંગઠનની પ્રવક્તા ક્લેર ન્યુલિસ એ જણાવ્યું કે, આ સંપૂર્ણ રીતે અવિશ્વસનીય છે. ન્યૂલિસે ડેનમાર્કના પોલર પોર્ટલ પરથી ડેટા લીધા જે દરરોજ ગ્રીનલેન્ડની Ice sheetની સપાટીના દ્રવ્યમાનના વધારા અને ઘટાડાનું આંકલન કરે છે.

ન્યુલિસના જણાવ્યા અનુસાર માત્ર જુલાઈ મહિનામાં જ 160 બિલિયન ટન બરફ પીગળી ચૂક્યો છે. આ લગભગ 64 મિલિયન ઓલ્મ્પિક સ્વીમિંગ પૂલમાં વર્તમાન પાણીના જથ્થા જેટલું છે. આ આંકડો માત્ર સપાટી પીગળવાનો છે. આમા સમુદ્રને કારણે પીગળતા બરફનો ડેટા નથી. મહત્વનું છે કે, ગ્રીનલેન્ડ Ice sheet આયરલેન્ડના 80 ટકા ભાગને કવર કરે છે. જે હાજારો વર્ષો પછી બની છે.

પોલર પોર્ટલ વેબસાઈટ મુજબ આ બરફની ચાદરમાં રહેલા Iceનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, આના બરફની ઉંચાઈ 3 હજાર મીટર સુધી વધી જાય છે અને તેનું ઘનત્વ લગભગ 29 લાખ ક્યૂબિક કિલોમીટર થઈ જાઈ છે. જો બરફ સંપૂર્ણ રીતે પીગળી જશે તો આના કારણે સમુદ્રનું લેવલ 7 મીટર સુધી વધી જશે.જેના કારણે વિશ્વના અનેક શહેરો પાણીમાં ડૂબી જશે.

તો બીજી તરફ વૈજ્ઞાનિકોનો દાવો છે કે, તેમને એક એવી પ્રક્રિયા હાથ લાગી છે જેની મદદથી ગ્રીનલેન્ડની બરફની ચાદરને નષ્ટ થતી રોકી શકાશે. જર્નલ નેચર કોમ્યૂનિકેશન્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, આની મદદથી વૈજ્ઞાનિકો યોગ્ય મોડલ તૈયાર કરી શકે તેમ છે. અમેરિકા સ્થિત યૂનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડાના પ્રોફેસર ટિમ ડિક્સનના જણાવ્યા અનુસાર, ગ્લેશિયરોને પીગળતા રોકવા માટે એક મોડલ તૈયાર કરવું મોટો પડકાર છે. એક એવી ઘટના જેનાથી આપણ અજાણ છીએ, એ છે કે, ભવિષ્યમાં સમુદ્રનું જળસ્તર કેટલું વધશે અને ગ્રીનલેન્ડનો બરફ કેટલો જડપથી પીગળશે?

આ તમામ વસ્તુઓની જાણકારી મેળવવા માટે વૈજ્ઞાનિકોએ 2016માં એક પ્રયોગ શરુ કર્યો હતો. તેમણે એ વર્ષની ગરમીઓ પર એક નવી રડાર સિસ્ટમ લગાવી, જેથી ગ્લેશિયરોના પીગળવાની પ્રક્રિયાને વધુ સારી રીતે સમજી શકાય. શોધકર્તાઓ અનુસાર, તેમણે આ અભ્યાસમાં ઘણી બધી એવી જાણકારીઓ મેળવી હતી જેના આધાર પર ગ્લેશિયરોના પીગળવાના કારણો અને તેમની માત્રાની જાણકારી મળી શકે.  વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, તેમના આ અભ્યાસની મદદથી ભવિષ્યમાં ગ્રીનલેન્ડની બરફની ચાદરને પીગળતી રોકવામાં મદદ મળી શકે છે.

 

ઉલ્લેખનીય છે કે, જળવાયુ પરિવર્તના ખતરાને ખુબજ ગંભીરતાથી લેવાની જરૂર છે. અને આ અંગેની જાગ્રૃતી માત્ર વૈજ્ઞાનિકો સુધી જ સીમિત ન હોવી જોઈએ, આ અંગેનું જ્ઞાન સામાન્ય માણસ સુધી પહોંચાડવું જરૂરી છે. જે રીતે જનસંખ્યા વધી રહી છે, આવનારા સમયમાં પૃથ્વી પર દબાણ ગંભીર રીતે વધે તેવી શક્યતા છે. હાલના સમયમાં વાયુ અને પાણી કેવી રીતે પ્રદૂષિત થઈ રહ્યાં છે, તે એક ગંભીર ચિંતાનો વિષય છે. જળવાયુ પરિવર્તનને કારણે તાપમાનમાં નાટકીય રીતે વૃદ્ધિ થયા છે અને તાપમાનમાં વૃદ્ધિને કારણે પૃથ્વી પર જૂદા જૂદા પરિવર્તન જોવા મળે છે. આ પરિવર્તન એવા હોય છે જેના પરિણામસ્વરૂપે અતિવૃષ્ટી, પૂરની સ્થિતિ, અતિ દૂષ્કાળ, વગેરે હોય છે. જળવાયુ પરિવર્તન દરેક વ્યક્તિને પ્રભાવિત કરી શકે છે.