ભારતીય મૂળની ડોક્ટર ભાષા બની મિસ ઈંગ્લેન્ડ, અનેક તબીબી ડિગ્રીઓ ધરાવે છે…

લંડનઃ ભારતીય મૂળની ભાષા મુખર્જીએ મિસ ઈંગ્લેન્ડ 2019નો ખિતાબ જીતી લીધો છે. તે મોડલિંગ સીવાય વૃદ્ધો માટે એક સામાજિક સંસ્થા પણ ચલાવે છે. ત્યારે આવો જાણીએ ભાષા મુખર્જી વિશે કે તેણે કેવી રીતે પ્રાપ્ત કરી આ સિદ્ધી.

ભાષા મુખર્જી 23 વર્ષની છે અને ડોક્ટર છે. નોટિંઘમ યૂનિવર્સિટીથી ભાષા મુખર્જીએ મેડિકલમાં 2 અલગ-અલગ ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે. એક ડિગ્રી મેડિકલ સાયન્સમાં છે અને બીજી ડીગ્રી મેડિસિન એન્ડ સર્જરીમાં મેળવેલી છે. તેમનુ આઈક્યુ લેવલ 146 છે, તે બ્યૂટી વિથ બ્રેઈન છે. તે પાંચ અલગ અલગ ભાષાઓ બોલી અને વાંચી શકે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભાષાનું મોડલિંગ કરિયર ત્યારે શરુ થયું કે જ્યારે તે પોતાનો મેડિકલ અભ્યાસ કરી રહી હતી. તેમણે જણાવ્યું કે મોડલિંગ માટે તેણે પોતાની જાતને ખૂબ સમજાવવી પડી હતી. પરંતુ આખરે તેણે નિર્ણય કર્યો કે તે મોડલિંગ કરશે. તે દરમિયાન તેને અભ્યાસ અને બેલેન્સ બન્ને વચ્ચે બેલેન્સ બનાવવું પડ્યું હતું.

ભાષા વર્ષ 2013 થી જનરેશન બ્રિજ પ્રોજેક્ટ નામથી પોતાની સામાજિક સંસ્થા પણ ચલાવે છે. જે એકલાપણા સામે ઝઝુમી રહેલા વૃદ્ધોની મદદ કરે છે. મિસ ઈંગ્લેન્ડ પ્રતિયોગિતાના ડાયરેક્ટર એંજી બેસ્લેએ કહ્યું કે ભાષા એક મહેનતુ છોકરી છે. તેણે પોતાની મહેનતના દમ પર આવડી નાની ઉંમરમાં આટલી સિદ્ધી પ્રાપ્ત કરી છે.