ડિસેમ્બરમાં દેશમાં છૂટક ફુગાવો ચાર મહિનાના નીચલા સ્તરે 5.22 ટકા પર પહોંચી ગયો. નવેમ્બરમાં આ દર 5.48 ટકા હતો. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને કારણે આ ઘટાડો થયો છે. સરકારે સોમવારે આ અંગેના આંકડા જાહેર કર્યા. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) હેઠળના ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) ના ડેટા અનુસાર, ડિસેમ્બરમાં ખાદ્ય ફુગાવો 8.39 ટકા હતો. જ્યારે નવેમ્બરમાં તે 9.04 ટકા અને ડિસેમ્બર 2023માં 9.53 ટકા હતો. સીએસઓના જણાવ્યા અનુસાર, ડિસેમ્બરમાં ગ્રાહક ભાવ સૂચકાંક અને ખાદ્ય ફુગાવો બંને છેલ્લા ચાર મહિનામાં સૌથી નીચા સ્તરે હતા.
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ગયા મહિને ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે ફુગાવાનો અંદાજ 4.5 ટકાથી વધારીને 4.8 ટકા કર્યો હતો. કેન્દ્રીય બેંકે એવી પણ ચિંતા વ્યક્ત કરી હતી કે ખાદ્યપદાર્થોના ભાવ પર દબાણને કારણે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં એકંદર ફુગાવો ઊંચો રહેશે. ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત એકંદર ફુગાવો જુલાઈ-ઓગસ્ટ દરમિયાન સરેરાશ 3.6 ટકાથી વધીને સપ્ટેમ્બરમાં 5.5 ટકા અને ઓક્ટોબર 2024માં 6.2 ટકા થયો.