ગઈકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. મતદાન પૂર્ણ થતા જ દરેક પાર્ટી દ્વારા પોત પોતની જીતના દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે મતદાન પૂર્ણ થતા જ કેટલાક મીડિયા દ્વારા એક્ઝિટપોલના આંકડા મુકી દીધા હતા. જીતી શકે છે? તે જાણવાની ઉત્સુકતા સૌ કોઇને હોય છે. ત્યારે આ એક્ઝિટપોલના આંકડા કેટલા સાચા પડે છે. અને છેલ્લી ચૂંટણીઓમાં કેટલા મીડિયા દ્વારા દરેક ચૂંટણીમાં એક્ઝિટપોલ મુકીને પરિણામનું પૂર્વઅનુમાન કરવામાં આવતું હોય છે.
આ એક્ઝિટપોલના આંકડા મીડિયા એજન્સીઓ દ્વારા સર્વે કરીને રજૂ કરવામાં આવતા હોય છે. ત્યારે દરેકના આંકડા અલગ અલગ પરિણામ દર્શાવતા હોય છે. એક્ઝિટ પોલ ચોક્કસપણે ચૂંટણી પરિણામોની ખાતરી આપતા નથી હોતા. ચૂંટણીપંચ સત્તાવાર આંકડા જાહેર કરે છે. કઇ સર્વે એજન્સીનો એક્ઝિટપોલ સૌથી સચોટ છે તે તો પરિણામની તારીખે જ ખબર પડે છે.ત્યારે છેલ્લા દસ વર્ષમાં કેટલા એક્ઝિટપોલ સાચા પડ્યા તે જાણો.
2017ની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટપોલ
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કેટલીક મીડિયાના એક્ઝિટપોલ જોવામાં આવે તો ટાઈમ્સ નાઉએ ભાજપને 115 અને કોંગ્રેસને 64 મળવાનું અનુમાન કર્યું હતું. જ્યારે ટુડે ચાણક્યએ ભાજપને 135 સીટ અને કોંગ્રેસને માત્ર 47 સીટ મળશે તેવો એક્ઝિટપોલ પ્રસારિત કર્યો હતો. એબીપી ન્યૂઝે ભાજપને 117 જ્યારે કોંગ્રેસને 64 સીટ મળશે તેવું અનુમાન લગાવ્યું હતું. જ્યારે ઈન્ડિયા ટુડેએ ભાજપને 99થી 113 અને કોંગ્રેસને 68થી 82 સુધી સીટ મળશે તેવું અનુમાન કર્યું હતું.
પરિણામ
આમ દરેક મીડિયા દ્વારા ભાજપને 100થી વધુ બેઠકો મળવાનો દાવો કરવામાં આવ્યો હતો પરંતું મતની સત્તાવાર ગણતરી થઈ તો ભાજપ 100 બેઠકોથી વધુ બેઠકો જીતી શક્યું નહી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 સીટ મેળવી હતી, જ્યારે કોંગ્રેસ 77 સીટ પર જીત મેળવી હતી.જ્યારે અન્ય પક્ષને 6 સીટ પર જીત મળી હતી.
વર્ષ 2012ની ચૂંટણીના એક્ઝિટપોલ
વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં પણ મીડિયા દ્વારા જુદા જુદા જુદા એક્ઝિટપોલના આંકડા બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં ન્યૂઝ 24એ અનુમાન કર્યુ હતુ કે ભાજપને 182માંથી 140 સીટ પર જીત મળશે. અને કોંગ્રેસને માત્ર 40 સીટ જ મળશે. જ્યારે એબીપી ન્યૂઝે ભાજપને 126 સીટ પર જીત મળશે અને કોંગ્રેસને 50 સીટ પર જીત મળશે તેવું એકઝિટ પોલ બહાર પાડ્યું હતુ. સી વોટરે ભાજપ 119થી 129 સીટ અને કોંગ્રેસ 49થી 59 સીટ જીતશે તેવુ અનુમાન કર્યું હતુ.
પરિણામ
વર્ષ 2012ની ચૂંટણીમાં પરિણામના સત્તાવાર રીતે આંકડા જાહેર કરવામાં આવ્યા ત્યારે ભાજપને 115 અને કોંગ્રેસને 61 સીટ પર જીત મળી હતી જેથી કહી શકાય કે ગુજરાતની ચૂંટણીના ઈતિહાસમાં ઘણા એક્ઝિટપોલ મહદંશે અંતિમ પરિણામોની આસપાસ રહ્યા છે. કેટલીક સીટ ઉપર નીચે તો થઈ, પરંતુ ભાજપની સરકાર બનશે તે દાવા તમામ એક્ઝિટ પોલના સાચા સાબિત થયા.
એક્ઝિટ પોલના આંકડાથી વિપરિત પરિણામ
આમ અમુક મીડિયાના એકઝિટપોલના આકડાં મહદઅંશે પરિણામની આસપાસ રહ્યા છે. તો વળી ભુતકાળમા ઘણી વખત એક્ઝિટપોલના આંકડા ખોટા પણ ઠર્યા છે. વર્ષ 2021માં પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં મોટાભાગના એક્ઝિટ પોલે ભાજપને 100થી વધુ સીટ પર જીત મળશે તેવા દાવા કર્યા હતા. પરંતુ મમતા બેનર્જીના ગઢમાં ભાજપને માત્ર 77 સીટ પર જ જીત મળી અને ભાજપ સરકાર બનાવી ન શક્યું.
હરિયાણામાં એક્ઝિટપોલના આંકડા ખોટા પડ્યા
વર્ષ 2019માં હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી થઈ હતી. ઘણા એક્ઝિટપોલમાં ભાજપને 70થી વધુ સીટ મળવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે મત ગણતરી થઈ તો માંડ ભાજપ 40 સીટ પર જીત મેળવી શકી અને ભાજપને ગઠબંધન કરી સરકાર બનાવવી પડી હતી.
વર્ષ 2004માં એક્ઝિટપોલનું અનુમાન ખોટું પડ્યું
અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ બાદ વર્ષ 2004માં લોકસભાની ચૂંટણીમાં એક્ઝિટપોલનું અનુમાન હતું કે NDA સત્તામાં આવશે અને કોંગ્રેસને ફરીથી વિપક્ષમાં બેસવું પડશે. પરંતુ લોકસભાની ચૂંટણીનાં પરિણામો બાદ કોંગ્રેસને સૌથી વધુ બેઠકો મળી હતી, અને ગઠબંધન કરીને UPAએ સત્તામાં આવી, ડૉક્ટર મનમોહનસિંહ દેશના પ્રધાનમંત્રી બન્યા હતા.
2009માં લોકસભાની ચૂંટણીમાં એક્ઝિટપોલનું અનુમાન ખોટું પડ્યું
2009માં લોકસભાની ચૂંટણીમાં વિવિધ એક્ઝિટ પોલમાં સરેરાશ UPAને 199, NDAને 197 સીટ મળવાનું અનુમાન લગાવ્યું હતું, પરંતુ અંતિમ પરિણામમાં UPAને 262, NDAને 159 સીટ મળી અને ડૉક્ટર મનમોહનસિંહ ફરીથી પ્રધાનમંત્રી બન્યા હતા. આમ ઘણી વખત એક્ઝિટપોલના અનુમાન ખોટાં પણ પડી ચૂક્યાં છે.
વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટપોલ
આ વર્ષે પણ એક્ઝિટપોલના આંકડા ગઇ કાલે વિવિધ મીડિયાઓ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે વિવિધ એક્ઝિટપોલના આંકડાઓ પણ ભાજપની મહદઅંશે જીત દર્શાવી રહ્યા છે. ત્યારે હવે પરિણામ શું આવે છે. તેના પર સૌ કોઇની મીટ મંડાયેલી છે.