હોળીના દિવસે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોરારી બાપુને રંગ અર્પણ કર્યા

સોનગઢ: તાપી જિલ્લામાં સોનગઢના ગુણસદા ગામે ચાલી રહેલી મોરારીબાપુની રામકથાના છઠ્ઠા દિવસે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા બાદ એમણે પ્રસંગોપાત ઉદબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, “તાપી જિલ્લાના ભાઈ-બહેનો વતી બાપુને વંદન. રામકથાના માધ્યમથી તાપી જિલ્લાને ધન્ય કરવા બદલ બાપુનો આભાર વ્યક્ત કરું છું. ધર્મ-સંસ્કૃતિ માટે બાપુ સતત ચિંતા કરે છે અને એના નિવારણ માટે પણ સતત કાર્યશીલ રહે છે. બાપુ આપણને સૌને સંસ્કૃતિ અને ધર્મ જોડે જોડી રાખે છે.”આદિવાસી વિસ્તારમાં થતા ધર્મ પરિવર્તન મુદ્દે ગૃહમંત્રીએ કહ્યું કે, “આદિવાસી ભાઈઓને ખોટે રસ્તે ચડાવનાર સામે ગુજરાત સરકાર પગલા લેશે અને લેશે. ધર્મ પરિવર્તન મુદ્દે જો ખોટી રીતે કોઈને ફસાવાશે તો કાયદાકીય સકંજામાંથી એને છૂંટવાની બારી નહીં મળે.”હર્ષ સંઘવીએ આજે હોળીના તહેવાર નિમિત્તે મોરારીબાપુ અને વ્યાસપીઠને હોળીના રંગ અર્પણ કર્યા હતા અને કહ્યું હતું કે રામ રાજ્ય સ્થાપિત કરવાની દિશામાં જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ. એમાં બાપુનો ખૂબ મોટો ફાળો છે. આ કથાના માધ્યમથી દરેક ઘરમાં ખુશીના રંગો ખીલશે.આદિવાસી વિસ્તારમાં મોરારીબાપુ દ્વારા દર વર્ષે કથા કરવાના નિર્ણયની પણ ગૃહમંત્રીએ પ્રશંસા કરી હતી અને બાદમાં કથા શ્રવણનો પણ લાભ લીધો હતો. મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી કહ્યું કે આપણા ગૃહમંત્રી યુવાન અને ખુબ સરળ સહજ છે. બાપુએ ગૃહમંત્રી માટે ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.કથા દરમિયાન મોરારિબાપુ દ્વારા આદિવાસી વિસ્તારમાં શાળા દીઠ એક લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. જેથી કરીને બાળકોને ભણતરમાં વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય.