હાર્દિક પંડ્યાની T20 ફોર્મેટમાં વધુ એક સિદ્ધી

T20 વર્લ્ડ કપ 2022 ના અંત પછી હાર્દિક પંડ્યાએ અત્યાર સુધી આ ફોર્મેટમાં 3 શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે અને ટીમે ત્રણેય જીત મેળવી છે. આ દરમિયાન હાર્દિકે પણ બેટ અને બોલ બંને વડે શાનદાર પ્રદર્શન કરીને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું છે.

ન્યૂઝીલેન્ડ સામે સમાપ્ત થયેલી શ્રેણીમાં હાર્દિકને પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ આપવામાં આવ્યો હતો. જ્યારે હાર્દિકે આ સિરીઝમાં બેટ વડે 66 રન બનાવ્યા હતા, તો તેણે બોલ સાથે કુલ 5 વિકેટ ઝડપી હતી. આ સાથે જ હાર્દિકના નામે વધુ એક રેકોર્ડ જોડાઈ ગયો છે, જેમાં તે T20 ફોર્મેટમાં 4000થી વધુ રન અને 100થી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે.

IPLમાં પોતાના શાનદાર પ્રદર્શનના આધારે ભારતીય ટીમમાં પોતાની જગ્યા બનાવનાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ગણતરી હાલમાં વિશ્વ ક્રિકેટમાં સૌથી ખતરનાક ખેલાડી તરીકે થાય છે. IPL 2022 સિઝનમાં પોતાને કેપ્ટન તરીકે સાબિત કરતા હાર્દિકે તેની પ્રથમ IPL સિઝનમાં ગુજરાત ટાઇટન્સને વિજેતા બનાવ્યું હતું.

 

પ્રથમ ટી20 મેચ વર્ષ 2013માં રમી હતી

વર્ષ 2013માં હાર્દિકે તેની કારકિર્દીની પ્રથમ ટી20 મેચ મુંબઈ સામે અમદાવાદના મેદાન પર રમી હતી. ત્યારથી, તેણે આ ફોર્મેટમાં કુલ 223 મેચ રમી છે, જેમાં હાર્દિકે 29.42ની એવરેજથી 4002 રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં હાર્દિકે 15 અડધી સદીની ઇનિંગ્સ રમી છે, જ્યારે તેનો સર્વોચ્ચ સ્કોર 91 રન છે. બીજી તરફ હાર્દિકની બોલિંગની વાત કરીએ તો ટી-20 ફોર્મેટમાં તેણે અત્યાર સુધી 27.27ની એવરેજથી કુલ 145 વિકેટ ઝડપી છે, જ્યારે તેણે એક મેચમાં 3 વખત 4 વિકેટ લેવાનું કારનામું પણ કર્યું છે.