ભાવનગરમાં PM મોદીનું ભાવુક સંબોધન

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાવનગરમાં ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં વિશાળ જનસભા સંબોધી. 1.5 કિલોમીટર લાંબા ભવ્ય રોડ શો પછી જવાહર મેદાનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે 34,200 કરોડથી વધુ કિંમતના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. ભાષણમાં વડાપ્રધાને તેમના જન્મદિવસના આશીર્વાદો માટે આભાર વ્યક્ત કર્યો, કૃષ્ણ કુમારસિંહજીનું સ્મરણ કર્યું અને આત્મનિર્ભર ભારત, મારિટાઇમ સેક્ટરના વિકાસ અને કોંગ્રેસની નીતિઓની ટીકા કરી. તેમણે કહ્યું કે, “બીજા દેશો પર નિર્ભરતા આપણો સૌથી મોટો દુશ્મન છે,” અને ચિપથી લઈને શિપ સુધી ભારતમાં જ બનાવવાનો આગ્રહ કર્યો.

જન્મદિવસના આશીર્વાદોને ‘મારી શક્તિ’ કહ્યા

વડાપ્રધાને તેમના 17 સપ્ટેમ્બરે થયેલા જન્મદિવસ પર દેશ-દુનિયાથી મળેલા પ્રેમ અને શુભેચ્છાઓ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યા. તેમણે કહ્યું, “ભાવનગરવાળાએ તો વટ પાડી દીધો છે. ભાવનગર અને ગુજરાતના લોકોને ખૂબ ખૂબ અભિનંદન. તમે બધાએ પોતાના નરેન્દ્રભાઈને જન્મદિવસે જે શુભકામનાઓ મોકલી છે, તે આશીર્વાદ અને પ્રેમ મારી મોટી તાકાત છે.” તેમણે દેશભરમાં યોજાયેલા સફાઈ અભિયાનો અને ગુજરાતમાંથી 1 લાખ યુનિટ બ્લડ એકત્ર કરવાની પ્રશંસા કરી, જેને “એક મોટી વાત” કહ્યી.

કૃષ્ણ કુમારસિંહજીનું સ્મરણ

ભાષણની શરૂઆતમાં વડાપ્રધાને ભાવનગરના મહાન દેશભક્ત કૃષ્ણ કુમારસિંહજીનું સ્મરણ કર્યું. તેમણે કહ્યું, “હું સૌથી પહેલાં કૃષ્ણ કુમારસિંહજીનું સ્મરણ કરું છું, જેમણે સરદાર સાહેબના મિશન સાથે જોડાઈને ભારતની એકતા માટે ખૂબ મોટું યોગદાન આપ્યું.” આ પ્રસંગે તેમણે કહ્યું કે, “આજે આવા જ મહાન દેશભક્તોની પ્રેરણાથી ભારતની એકતાને મજબૂત કરી રહ્યા છીએ.”

GST ઘટાડાની ખુશખબર

ભાવનગરના લોકોને સંબોધી વડાપ્રધાને કહ્યું, “ભાવનગરના ભાઈઓ મને માફ કરજો, મારે હિન્દીમાં બોલવું પડશે, કારણ કે આમાં દેશભરના લોકો જોડાયેલા છે.” તેમણે GST રેટમાં ઘટાડાની જાહેરાત કરી અને કહ્યું કે, “જીએસટી ઘટાડતા દિવાળી તહેવારમાં બજારમાં રોનક રહેવાની છે.” આ જાહેરાતથી જનસભામાં તરફદારીનો વાવાઝોડો ઉઠ્યો.

આત્મનિર્ભર ભારત: ‘100 દુખની એક જ દવા‘

વડાપ્રધાને મુખ્યત્વે આત્મનિર્ભર ભારત અને મારિટાઇમ સેક્ટર પર ભાર મૂક્યો. તેમણે કહ્યું, “સૌથી મોટો દુશ્મન બીજા પર નિર્ભરતા છે. જેટલી બીજા દેશો પર નિર્ભરતા, એટલી દેશની નિષ્ફળતા.” તેમણે ઉમેર્યું, “140 કરોડ દેશવાસીઓના ભવિષ્યને બીજા પર ન છોડી શકીએ. ગુજરાતીમાં કહે 100 દુખની એક જ દવા – આત્મનિર્ભર ભારત.” તેમણે આઝાદી પછી કોંગ્રેસની નીતિઓની ટીકા કરી: “કોંગ્રેસે ભારતના દરેક સામર્થ્યની અવગણના કરી. લાઇસન્સ રાજ અને ગોટાળાઓએ ભારતની તાકાતને દબાવી દીધી.”

મારિટાઇમ સેક્ટરમાં ક્રાંતિ: 6 લાખ કરોડનું વાર્ષિક નુકસાન

ભારતના શિપિંગ સેક્ટરના નુકસાન પર ભાર મૂકતા વડાપ્રધાને કહ્યું, “આજે ભારત વર્ષે 75 બિલિયન ડોલર (6 લાખ કરોડ રૂપિયા) વિદેશી શિપિંગ કંપનીઓને ભાડા પેટે આપે છે. આ રકમ ડિફેન્સ બજેટ જેટલી છે.” તેમણે ઉમેર્યું, “ચિપ હોય કે શિપ, આપણે ભારતમાં જ બનાવવા પડશે.” તેમણે મુંબઈમાં ઇન્ટરનેશનલ ક્રુઝ ટર્મિનલના લોકાર્પણ અને ગુજરાતમાં વિકાસ પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કર્યો.