ફિલ્મમાં હિરોઈનના બદલે જીવના જોખમે એક્શન કરે છે આ ગુજરાતી ગર્લ

મુંબઈ: શિલ્પા કાતરિયા, મૂળ ભાવનગરના પણ જન્મ અને ઉછેર મુંબઈમાં. બાળપણથી જ ડાન્સનો ખૂબ જ શોખ હતો. તેથી ડાન્સના ક્ષેત્રમાં જ કરિયર બનાવવાનો વિચાર કર્યો. બૅકગ્રાઉન્ડ ડાન્સર તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી. ઈવેન્ટ્સ, વેડિંગ અને ટીવીમાં ડાન્સર તરીકે કામ કર્યુ. આ દરમિયાન તેમને બાર ડાન્સર બનાવી દેવાની પણ ઘટના બની.અત્યાચાર પણ થયો પરંતુ હિંમત ન હારી. હાલમાં શિલ્પા કતારિયા ફિલ્મમાં બોડી ડબલ (જરૂરિયાત મુજબ અભિનેત્રીની જગ્યાએ જે-તે પાત્રમાં ઢળી તે પાત્ર ભજવવું) તરીકે કામ કરે છે. જેક્લિનથી લઈ દિશા પટનીના બોડી ડબલ તરીકે શિલ્પાએ કામ કર્યુ છે. સિરિયલ, વેબ સીરિઝ અને અનેક એક્શન ફિલ્મમાં અભિનેત્રીના બદલે શિલ્પાએ સ્ટંટ કર્યા છે.

ફિલ્મમાં ખતરનાક એક્શન સીન એક્ટર દ્વારા નહીં પણ તેમના ‘બોડી ડબલ’ અથવા ડુપ્લિકેટ દ્વારા કરવામાં આવે છે. શારીરિક બાંધો જે-તે એક્ટર જેવો દેખાતો હોય તેવા આર્ટિસ્ટને બોડી ડબલ માટે પસંદ કરવામાં આવે છે.

શિલ્પા કાતરિયા બૉલિવૂડમાં જેક્લિન ફર્નાન્ડિસ, દિશા પટની અને મૌની રોય સહિતની અભિનેત્રીના બોડી ડબલ તરીકે કામ કરે છે. તેણીએ દબંગ 3, રામ સેતુ, બચ્ચન પાંડે, ગણપત, બડે મિયાં છોટે મિયાં અને પઠાણ જેવી વિવિધ ફિલ્મમાં હિરોઈનના બદલે એક્શન સીન કર્યા છે. એક્શન કિંગ ગણાતાં અક્ષય કુમાર તથા ટાઈગર શ્રોફ સાથે શિલ્પાએ જોરદાર એક્શન શૉટ આપ્યા છે. આવા સીનમાં રિસ્ક ખુબ જ હોય છે. જીવના જોખમે આર્ટિસ્ટ એક્શન સીન ફિલ્માવતા હોય છે. જોકે સેટ પર આર્ટિસ્ટની સુરક્ષાનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવે છે.

ધક્કો લાગે એવો અનુભવ થયો

ચિત્રલેખા ડૉટ કૉમ સાથે વાત કરતાં શિલ્પા જણાવે છે કે ” ઉતરન સીરિયલમાં મેં પ્રથમ વખત બોડી ડબલ તરીકે કામની શરૂઆત કરી હતી. પરંતુ એ પહેલા હું થિયેટર શૉ, ઈવેન્ટ્સ, વેડિંગ અને વિવિધ શૉમાં ડાન્સર તરીકે કામ કરતી હતી. સીરિયલ અને ફિલ્મ્સમાં પણ પ્રોફેશનલ ડાન્સ કર્યો છે. આ દરમિયાન એક વાર એવી ઘટના બની કે મેં ડાન્સ કરવાનું છોડી દીધું. વાસ્તવમાં, મને શૂટના બહાને સિંગાપુર લઈ જવામાં આવી હતી. અમને કહેવામાં આવ્યું કે સિંગાપુરમાં એક શૂટ છે. મેં વિશ્વાસ કરી લીધો અને હું એ લોકો સાથે સિંગાપુર ગઈ. ત્યાં ગઈ તો ખબર પડી કે અહીં કોઈ જ પ્રકારનું શૂટ નથી. અમને બાર ડાન્સર તરીકે લઈ જવામાં આવ્યાં છે. મેં તેમને બાર ડાન્સર તરીકે કામ કરવાની ના પાડી દીધી. એટલે તેમણે મારી પાસેથી ફોન છીનવી લીધો. મારો પાસપોર્ટ પણ લઈ લીધો. મને ખાવાનું પણ આપવાનું બંધ કરી દીધું. મારી સાથે ગેરવર્તણુક કરી. બાદમાં મેં લડી-ઝઘડીને મારો પાસપોર્ટ મેળવ્યો અને હેમખેમ હું ઈન્ડિયા પરત ફરી. આ ઘટના બાદ મેં ડાન્સ છોડી દીધો અને બોડી ડબલ તરીકે સ્ટંટ કરવાનું શરૂ કર્યુ. આ જ સમયે વૈવાહિક જીવનમાં પણ અનેક મુશ્કેલીઓ આવી. અમુક વસ્તુઓ સાથે એટલું લડવું પડ્યું કે મને એમ થયું હવે તો લડવું જ છે. મેં સ્ટંટ કરવાનું મન બનાવી લીધું.”

જોખમ ખરું પણ સ્ટંટ કરવા જ ગમે છે 

પોતાની વાતમાં આગળ શિલ્પા કહે છે કે જીવનના અનુભવે મને એટલી મજબુત બનાવી કે મને સ્ટંટ ખુબ જ ગમવા લાગ્યાં. મેં રામ સેતુમાં જેક્લિનની બોડી ડબલ બની એક્શન સીન કર્યા. સેટ પર મને ખુબ જ આદર અને પ્રોત્સાહન મળ્યુ. હા, આ કામમાં જીવનું જોખમ છે, પણ હવે મને રિસ્ક લેવું ગમે છે. જોકે સેટ પર પણ અમારી સુરક્ષાનું પુરતું ધ્યાન રાખવામાં આવે છે. ફાઈટિંગ સિક્વન્સ, ફૉલ, હાઈ જમ્પ વગેરેની એક્શન માટે પહેલા અમે રિહર્સલ કરીએ છીએ. સેટ પર નિષ્ણાતો દ્વારા અમને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. જો કોઈ સ્ટંટ ખુબ જ વધારે જોખમી હોય તો આસિસ્ટન્ટ પહેલા કરીને બતાવે છે. ડૉક્ટર સહિતની તમામ સુવિધા સેટ પર ઉપલબ્ધ હોય છે. તેમજ એક્ટર્સનો પણ સારો સપોર્ટ મળે છે.

ફિલ્મ દરમિયાન હાથમાં થયું ફ્રેક્ચર 

રકુલ પ્રીત સિંહની ફિલ્મ ‘આઈ લવ યુ’ના એક્શન સીન દરમિયાન શિલ્પાને ઈજા પહોંચી હતી. ફિલ્મમાં તે રકુલનું બોડી ડબલ કરી રહ્યાં હતાં.એવામાં સ્ટંટ કરતી વખતે તેણીને હાથમાં ફ્રેક્ચર થયું હતું. સાતથી આઠ મહિના સુધી બેડ રેસ્ટ કરવો પડ્યો હતો. શિલ્પાનું કહેવું છે કે આ કામમાં જોખમ તો છે જ. બધી જ તકેદારી હોવા છતાં ઘણી વાર ઈજાની ઘટના બને છે. છેલ્લે તો બધું ભગવાન પર જ છોડતા હોઈએ છીએ.

અભિનેત્રી બનવું છે?

અભિનેત્રી તરીકે કામ કરવાનો ક્યારેય વિચાર ન આવ્યો? આના જવાબમાં શિલ્પાએ કહ્યું કે “હું મારા સ્ટંટના કામને ખુબ માણું છું. મને એમાં એટલો આનંદ મળે છે કે બીજુ કામ કરવાનો વિચાર નથી આવતો. પ્લસ, મારી એક નાની દીકરી છે. તેના માટે પણ સમય ફાળવી શકું છું. પણ જો હું એક્ટિંગમાં વધારે ધ્યાન આપું તો બીજી વસ્તુઓ માટે વધારે સમય ન મળે. પરંતુ જો ક્યારેક કંઈક નાનું મોટું કામ મળે તો હું કરી લંઉ છું.”

શિલ્પા બૉલિવૂડની સ્ટંટ ક્વીન બની ગયા છે. આગામી સમયમાં તેણી કેટલીક ફિલ્મો આવી રહી છે. જેમાં તેણીએ જાણીતા સુપરસ્ટાર સાથે ભારે સ્ટંટ કર્યા છે.

 

(નિરાલી કાલાણી, મુંબઈ)