ગુજરાત સાયન્સ સિટીમાં વર્લ્ડ પેંગ્વિન ડેની ઉજવણી

આજે વર્લ્ડ પેંગ્વિન ડે નિમિત્તે ગુજરાત સાયન્સ સિટી ખાતે આનંદમય અને ઐતિહાસિક પ્રસંગ ઉજવાયો છે, જ્યાં એક અનોખી સિદ્ધિરૂપે ત્રણ આફ્રિકન પેંગ્વિનનું સફળ સંવર્ધન કરવામાં આવ્યું છે. આ સફળતા સાબિત કરે છે કે ગુજરાત સાયન્સ સિટી સંવર્ધન, જલજીવન જાળવણી અને પ્રજાજાગૃતિ માટે સતત પ્રતિબદ્ધ છે. આ ખાસ દિવસે, નવજાત પેંગ્વિનના બાળકોના નામ જાહેર કરાયા છે ઉલ્લેખનીય છે કે તેમના નામ ડેઝી, કીઆરા, અને બાલૂ રાખવામાં આવ્યું છે. જે સહજતા, પ્રેમ અને નિર્દોષતાનું પ્રતિબિંબ છે.

એક્વેટિક ગેલેરીની હસબન્ડ્રી ટીમ દ્વારા ઝીણવટપૂર્વક સંવર્ધન કરવામાં આવતાં 2024માં પ્રથમ વખત સફળતા હાંસલ થઈ, એક પેંગ્વિન જોડીએ જૂનમાં પ્રથમ ઇંડું મૂક્યું, જે 38 દિવસના ઉછેર પછી જુલાઈમાં નર બચ્ચું બહાર આવ્યું. ત્યારબાદ આ જોડીએ ઓક્ટોબરમાં બે ઇંડાંનો બીજો સમૂહ મૂક્યો, જે નવેમ્બરમાં બે માદા બચ્ચાં તરીકે બહાર આવ્યાં.

આ સફળતા ખાસ ડિઝાઇન કરેલા વિસ્તારને આભારી છે, જે કુદરતી નિવાસસ્થાન જેવું જ છે અને ગોપનીયતા, સુરક્ષા અને સંવર્ધન માટે શ્રેષ્ઠ પરિસ્થિતિઓ સુનિશ્ચિત કરે છે. આ સુવિધામાં સંવર્ધન અને બચ્ચાંના ઉછેર દરમિયાન પેંગ્વિનની સંભાળ માટે વિશેષ આહાર અને સંવર્ધન કાર્યક્રમ પણ અમલમાં મૂકવામાં આવ્યો હતો.

આફ્રિકન પેંગ્વિન (Spheniscus demersus), જે નામિબિયા અને દક્ષિણ આફ્રિકાના દરિયા કિનારાઓનું વતની છે, હાલમાં આ પેંગ્વિન IUCN દ્વારા લુપ્તપ્રાય તરીકે સૂચિબદ્ધ છે. યોગ્ય જગ્યા, માછીમારી અને આબોહવા પરિવર્તનને કારણે આ પેંગ્વિનની સંખ્યામાં 97%થી વધુનો ઘટાડો થયો છે. હાલમાં દરિયા કિનારે 19,800થી ઓછા પેંગ્વિન બચ્યા છે. સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં બચ્ચાઓનો જન્મ આ પ્રજાતિના સંરક્ષણ તરફની આશાનું કિરણ અને નક્કર પગલું છે.

સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ મોના કે. ખંધાર, IAS એ જણાવ્યું કે, “પેંગ્વિનના ત્રણ બચ્ચાઓનો જન્મ ગુજરાત માટે ગૌરવની વાત છે. આ આપણા પર્યાવરણ જાગૃતિ અને પ્રાણી કલ્યાણ માટેની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. ડેઝી, કીઆરા અને બાલૂને મળવા માટે આપ સૌને આમંત્રિત કરીએ છીએ — તેઓ જળ જીવનના સાચા દૂત છે.” અત્યારે પેંગ્વિન ગેલેરીમાં આ ત્રણ નવા પેંગ્વિનને રાખવામા આવ્યા છે, જેથી મુલાકાતીઓ નાનકડા પેંગ્વિન બચ્ચાઓને નજીકથી નિહાળી શકે.