નવી દિલ્હી– ફૂડ અને ડ્રિંક્સ બનાવતી અમેરિકાની મલ્ટીનેશનલ કંપનીની ભારતીય સહાયક ફર્મ પેપ્સિકો ઈન્ડિયા હોલ્ડિંગ્સે ગુજરાતના કેટલાક ખેડૂતો પર કેસ દાખલ કર્યો છે. પેપ્સીકોએ એફસી ફાઈવ નામની જાતના બટાકા ઉગાડનારા ઉત્તર ગુજરાતના 4 ખેડૂતો સામે એક એક કરોડનો દાવો માંડ્યો છે. કંપનીએ ઈન્ટેલેક્ચ્યૂઅલ રાઈટના ભંગ બદલ ખેડૂતો સામે વળતરનો દાવો માંડી કેસ કર્યો હતો. પરંતુ હવે કંપનીની સાન ઠેકાણે આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કંપનીએ આ ચારેય ખેડૂતો સાથે કોર્ટની બહાર મામલાનું સમાધાન એટલે કે, આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટનો પ્રસ્તાવ મુક્યો છે.
કંપની અનુસાર આ પ્રકારના બટાકાનું ઉત્પાદન તેમની જાણીતી વેફર બાન્ડ લેયઝ માટે કરવામાં આવે છે. બટાકાની એફસી5 જાત બટાકા વેફર જેવા સ્નેક્સ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતના ખેડૂતો મોટા પ્રમાણમાં બટાકાનું ઉત્પાદન કરે છે.
કંપની તરફથી કેસનો સામાનો કરી રહેલા એક ખેડૂતોમાંથી એક બિપિન પટેલે કહ્યું કે, અમે ઘણા સમયથી બટાકાનું વાવેતર કરીએ છીએ, પરંતુ અમને કદી પણ કોઈ મુશ્કેલીનો સમાનો નથી કરવો પડયો. અમે એક વખત પાકને ઉગાડયા બાદ વધેલા બીજનો ઉપયોગ આગામી વર્ષ માટે કરીએ છીએ. જો કે પટેલે એ નથી જણાવ્યું કે, તેમને પેપ્સિકો કંપનીના આ બટાકાની જાતનું બીજ કેવી રીતે મળ્યું. હવે અમદાવાદની એક કોર્ટ આગામી 12 જૂને આ મામલે સુનાવણી હાથ ધરશે.
પેપ્સિકોના પ્રવક્તાના જણાવ્યા અનુસાર કંપની તેના પેટન્ટ હક ધરાવતા બિયારણમાંથી બટાકાનું ગેરકાયદેસર ઉત્પાદન કરનાર ખેડૂતો સાથે મૈત્રીપૂર્ણ રીતે સમાધાન કરવાનો પ્રસ્તાવ રજૂ કરે છે. પેપ્સિકોએ આ માટે ખેડૂતોને તેના સંયુક્ત ફાર્મિંગ પ્રોગામમાં સહભાગી થવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રોગામમાં સહભાગી થવાથી ખેડૂતોને ઊંચી ઉપજ, શ્રેષ્ઠત્તમ ગુણવત્તા સાથે વધુ કિંમતે ઉત્પાદનના વેચાણની સવલત મળશે. જો તેઓ કોઇ કારણોસર આ કાર્યક્રમમાં જોડાવા નથી ઈચ્છતા તો તેઓ માત્ર એક એગ્રીમેન્ટ પર સહી કરીને બટાકાની અન્ય જાતોનું ઉત્પાદન કરી શકે છે. કંપનીએ વધુમાં કહ્યું કે, પેપ્સિકોના ફાર્મિંગ પ્રોગ્રામ સાથે હજારો ખેડૂતો સંકળાયેલા છે, તેમના હિતને ધ્યાનમાં રાખીને કંપનીએ આ ખેડૂતો સામે કાનૂની પ્રક્રિયાથી વિમુખ થઇને સમાધાન માટેની તૈયારી દર્શાવી છે.
પેપ્સિકોએ ભારતમાં તેમનો પ્રથમ પ્લાન્ટ 1989માં સ્થાપ્યો હતો. ઓલ ઈન્ડિયા કિસાન સભાએ ભારત સરકારને ખેડૂતોના હિતોની રક્ષા કરવા માટે કહ્યું છે. કિસાન સંગઠને પેપ્સિકોની લેયઝ વેફર સહિત કંપનીની અન્ય પ્રોડક્ટનો બહિષ્કાર કરવાની પણ અપીલ કરી છે.