જામનગરની એક કંપનીમાંથી 30.58 કરોડના કોલસાની ચોરી…

દ્વારકા- ખંભાળિયા-જામનગર હાઈવે પર આવેલી ન્યારા એનર્જી (Nayara Energy) કંપની દ્વારા ગત વર્ષ દરમિયાન સમયાંતરે રૂા.30.58 કરોડની કિંમતના 68381 મેટ્રીક ટન કોલસાની ચોરી થયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ખંભાળીયા-જામનગર ધોરીમાર્ગ પર આશરે સોળ કી.મી. દૂર ન્યારા એનર્જી લિમિટેડ કંપની આવેલી છે. આ કંપની દ્વારા કોલસામાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. વીજ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવતો કોલસો વિદેશમાંથી પણ આયાત કરવામાં આવે છે.

કંપની દ્વારા કોલસાનો સંગ્રહ તથા જાળવણી માટેની જવાબદારી એસ્સાર બલ્ક ટર્મિનલ (સલાયા) સર્વિસ લિ. (ઈબીટીએસએલ) નામની કંપનીને સોંપવામાં આવી છે. જેમાં હજારો ટન કોલસાનું મેનેજમેન્ટ કરવામાં આવે છે. ન્યારા એનર્જી દ્વારા ગત નાણાકીય વર્ષ દરમિયાન કંપની દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલો કોલસો તથા કોલસાના હાજર સ્ટોકમાં મોટો ઘટાડો હોવાનું ધ્યાને આવ્યું હતું.

આ અંગે સ્ટોકની ચકાસણી કરાતાં 26/3/2018થી 31/4/2019 સુધીના નાણાકીય વર્ષ દરમિયાન એસ્સાર કોલ સ્ટોક યાર્ડમાંથી 30.58 કરોડની કિંમતના 6,8381 મેટ્રીક ટન કોલસાની ઘટ હોવાથી આ કોલસાની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે.

ન્યારા એનર્જીએ જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ તથા સિક્યુરીટી સ્ટાફ સહિતના શખ્સો સામે રૂા.30.58 કરોડની કિંમતના કોલસાને બદદાનતથી ચોરી કે સગેવગે કરી, કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા મામલે ફરિયાદ નોંધાવી છે.

તોતીંગ ચોરીના આ બનાવ અંગે વાડીનાર મરીન પોલીસે ગુનો નોંધી સ્થાનિક પી.એસ.આઈ. જુદી જુદી દિશાઓમાં તપાસ હાથ ધરી છે.