અમદાવાદ: અરબી સમુદ્ર પરથી હાલ ગુજરાત પર પવન ફૂંકાઈ રહ્યા છે. હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં વધારો નોંધાયો છે. ત્યારે હવે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવા સાથે માવઠું થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીર પાસે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. જેથી 24મી જાન્યુઆરીથી ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
સોમવાર પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોનું તાપમાન ઊંચુ નોંધાયું હતું. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સોમવારે નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું હતું. નલિયામાં 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ સાથે ભુજમાં 13.6, રાજકોટમાં 15.2, ગાંધીનગરમાં 16.7, અમદાવાદમાં 17 ડિગ્રી, વડોદરામાં 17.6 ડિગ્રી તથા સુરતમાં 18.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યનું હવામાન શુષ્ક રહેશે. ગુજરાતના હવામાનમાં લઘુત્તમ તાપમાનમાં બે દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. પરંતુ બે દિવસ પછી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે એટલે કે મંગળવારે 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવવાની શક્યતા છે. પવનની દિશા બદલાવવાને અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. બેથી ત્રણ દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જશે જેના કારણે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે. જ્યારે બીજી બાજું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી 24 જાન્યુઆરીથી ઠંડીના બીજા રાઉન્ડ આગાહી વ્યક્ત કરી છે. આ ઉપરાંત તારીખ 27, 28, 29મી જાન્યુઆરીએ વાદળછાયું અને રાજ્યના કોઈક કોઈક ભાગોમાં માવઠાની શક્યતા રહેશે.