અમદાવાદના 20 અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં પોલિટેક્નિકથી IIM વચ્ચે બનનારા ઓવરબ્રિજને લઈને એડવોકેટ સલીલ ઠાકોર મારફત જાહેરહિતની અરજી દાખલ કરી હતી, જે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ ચાલી રહી છે. અરજદારોએ આ બ્રિજ નિર્માણને જ પડકાર ફેંક્યો હતો. હાઇકોર્ટે આ PILનો વિષય વિસ્તૃત કરીને શહેરમાં ટ્રાફિક સમસ્યા, બ્રિજની ડિઝાઇન, ગ્રીન કવર સુધી વિસ્તાર્યો હતો. આજે આ મુદ્દે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઇ હતી, જેમાં ચીફ જજે જણાવ્યું હતું કે હેલ્મેટ ફરજિયાત કરાયું હોવા છતાં અમદાવાદ શહેરમાં કોઈ હેલ્મેટ નિયમનું પાલન કરીને પહેરતું નથી.
હાઇકોર્ટે આવતા ચીફ જજે ખુદ પોતાના મોબાઈલમાં ગાડીમાંથી ફોટા લીધા હતા, જેમાં ત્રણ કે ચાર જણાને છોડીને કોઈએ હેલ્મેટ પહેર્યાં નહોતાં. પોલીસ પણ VIP ડ્યૂટીમાં હતી, કોઈને ચિંતા નહોતી. એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે હેલ્મેટ પહેર્યા વગરના લોકોના 106 કેસ RTOને અપાયા છે, જેમના લાઇસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે. કોર્ટે કહ્યું હતું કે ઓથોરિટી દરેક ટૂ-વ્હીલર ચાલકને હેલ્મેટ પહેર્યા વગર પકડશે તો અમદાવાદના રોડ ઉપર ટૂ-વ્હીલર જોવા નહિ મળે. હેલ્મેટને લઈને ઝીરો ટોલરન્સ પોલિસી અપનાવવામાં આવે. દેહરાદૂનમાં લોકો ડરે છે એટલે હેલ્મેટ પહેરે છે. આ ઉપરાંત હાઇકોર્ટે સૂચન કર્યું હતું કે આજના જમાનામાં બધા ઉતાવળમાં હોય છે, એટલે હેલ્મેટ નહિ પહેરનાર લોકોને પકડીને 15થી 20 મિનિટ માટે ઊભા રાખવામાં આવે, જેથી તેમનો સમય બગડશે તો ઓફિસમાં મોડા પહોંચતાં ઠપકો મળશે. આમ, મગજમારીથી બચવા તેઓ હેલ્મેટ પહેરશે. અમદાવાદમાં આ સૂચનને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લેવામાં આવે, પછી બીજાં શહેરોમાં વિસ્તરણ કરવામાં આવે. અકસ્માતમાં માથામાં ઈજાથી મૃત્યુ દર ઊંચો હોય છે. ચીફ જજે હાઈકોર્ટ આવતા જાતે અકસ્માત જોયો હતો, જેમાં એક યુવકનું બાઈક ઉપર અકસ્માત થતાં માથામાં ગંભીર ઇજા થઈ હતી.
હાઈકોર્ટે ઓથોરિટીને સૂચન કર્યું હતું કે કોઈપણ વાહનચાલક ટ્રાફિકના નિયમોનું ત્રણ વખત ઉલ્લંઘન કરે એટલે તેનું લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે, ત્યાર બાદ ઉલ્લંઘન બદલ 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે તેમ છતાં જો વાહનચાલક ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે તો કાયમ માટે તેનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવે. દિલ્હીમાં પણ આ રીતે કામકાજ થઈ રહ્યું છે. અમદાવાદ સાથે સુરતની ટ્રાફિક સમસ્યા પર પણ કામ કરવામાં આવે. અરજદારે સૂચન કર્યું હતું કે ઓથોરિટી દ્વારા રસ્તાઓ અને વળાંક દર્શાવતાં નાનાં બોર્ડને મોટાં બનાવવા જોઈએ અને સમયાંતરે એ ચાલકને ગાઈડ કરતા હોવાં જોઈએ, જેથી કરીને અચાનક વળાંક લેવામાં અકસ્માત સર્જાય નહીં.