અમદાવાદઃ આપણા દેશમાં ચૂંટણી આયોજનો થતાં હોય છે તેમાં મતદારોને વિવિધ પ્રકારે મતદાન માટે સમજાવવાની કામગીરી મહત્ત્વની બની રહેતી હોય છે. જેમાં ખાસ કરીને શ્રમજીવી મતદારોને રોટલો રળવા જવું કે મતદાન માટે સમય ફાળવવો તેવો પ્રશ્ન ખડો થતાં વોટિંગ પર જવાનું ટાળવાનું મોટાભાગે બને છે. આ સંજોગોમાં 1200 શ્રમજીવી મહિલાઓએ લીધેલો સંકલ્પ અનોખી મિશાલ રજૂ કરી રહ્યો છે.
લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ગુજરાતમાં ૨૩મી એપ્રિલે મતદાન થવાનું છે.ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં મહત્તમ મતદાન થાય તથા લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવે તે માટે “ સ્વીપ કાર્યક્રમ-૨૦૧૯ ” કાર્યાંન્વિત કરાયો છે.
આ કાર્યક્રમ અંતર્ગત સાણંદ અને બાવળા તાલુકાની ૧૨૦૦ જેટલી મહિલાઓએ “ મતદાન સંકલ્પ ” લીધો હતો. સાથે સાથે આ મહિલાઓએ “ મતદાન કરીશુ, અને કરાવીશુ પણ ” તેવો સંકલ્પ પણ લીધો હતો.
પ્રાંત અધિકારી સાણંદ અને બાવળા કચેરી તથા માનવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બાવળા જી.આઈ.ડી.સી સ્થિત અરવિંદ મિલ, કેરાલા ખાતે આ મહિલાઓએ સામૂહિક સંકલ્પ લઈ પ્રેરણાદાયી ફરજ બજાવી હતી.
આ તકે માનવ સેવા ટ્રસ્ટના મનુભાઈ બારોટે જણાંવ્યું હતું કે, આ શ્રમજીવી વિસ્તારમાં હજી લોકો પોતાના હક્ક-ફરજ માટે જાગૃત નથી ત્યારે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા અમલી બનાવાયેલ “સ્વીપ” કાર્યક્રમ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ મહિલાઓને મતદાનની અનિવાર્યતા ઉપરાંત ઈ.વી.એમ-વી.વી.પેટ મશીનની વિસ્તૃત જાણકારી અપાઈ પણ હતી..
અત્રે ઉલ્લેખનીય છે કે, ઔદ્યોગિક સંસ્થાની કુલ ૧૨૦૦ જેટલી બહેનોએ પોતાના રોજિંદા કામમાંથી સમય કાઢીને આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.