ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતના રાજકારણમાં ઉથલ-પાથલ જોવા મળી રહી છે. જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ શુક્રવારે રાજીનામું આપ્યા બાદ સાંજે કેસરિયો પહેરી ભાજપમાં જોડાયા અને આજે કેબિનેટ પ્રધાન પદના શપથ લીધા હતા.
આજે ગાંધીનગર ખાતે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીએ આજે 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં રાજભવનમાં યોજાયેલા સમારોહમાં કેબિનેટ પ્રધાન તરીકે જવાહરભાઇ પેથલજી ચાવડા અને રાજય કક્ષાના પ્રધાન તરીકે યોગેશભાઇ નારાયણભાઇ પટેલ અને ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજાને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. યોગેશ પટેલ વડોદરા અને ધર્મેન્દ્ર સિંહ જાડેજા જામનગરના છે.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તથા મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘ તથા પ્રધાન મંડળના સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શપથવિધિ સમારોહમાં નવા બનેલા પ્રધાનોના પરિવારજનો અને ટેકેદારો પણ હાજર રહ્યા હતાં.
નીતિન પટેલે શપથવિધી કાર્યક્રમ બાદ જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણીના પ્રધાન મંડળમાં વધુ ત્રણ પ્રધાનોનો સમાવેશ થયો છે. કેબિનેટ પ્રધાન તરીકે જવાહર ચાવડા અને રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યોગેશ પટેલે શપથ લીધા છે. હજુ સુધી તેમને ખાતાની ફાળવણી કરવામાં આવી નથી. સી.કે. રાઉલજીના નામની ચર્ચા પણ હતી. જોકે, તેમણે શપથ લીધા નથી.