ગાંધીનગર- વિજયભાઇ રૂપાણીએ વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯ના પૂર્ણ થયાના માત્ર ૪પ દિવસના જ સમયમાં ગુરૂવારે તા. ૭ માર્ચે એક જ દિવસમાં એક સાથે રૂ.૧ લાખ ૬૬ હજાર ૩૪૭ કરોડના વિવિધ પ્રોજેકટના ઉદ્દઘાટન, કાર્યારંભ, ભૂમિપૂજન કરાવતાં સ્પષ્ટ કહ્યું કે વાયબ્રન્ટમાં માત્ર વાતો જ થાય છે તેવો અપપ્રચાર કરનારાઓને આ જડબાતોડ જવાબ છે.
વિજય રૂપાણીએ વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯માં જે વિવિધ ઊદ્યોગો –રોકાણોના MoUs, ઇન્ટેનસન્સ થયાં હતાં તેમાંથી ૪પ૯ ઉદઘાટન, ૧૦૩૦ પ્રોજેકટસના કાર્યારંભ અને ર૪૮ના ખાતમૂર્હત મહાત્મા ગાંધીમંદિરથી ઊદ્યોગ – વેપાર જગતના અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતીમાં કરાવ્યા હતા.
આ સાથે તેમણે ગિફટસિટીમાં ગેઝિયા અને GIDCના સંયુકત ઉપક્રમે ટેક હબના પ્રારંભના MoU તેમજ ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રી સેકટરમાં રાજ્ય સરકારની સહાય પ્રોત્સાહનના રૂ. ૪૦૦ કરોડ અને MSME સેકટરમાં રૂ. ૩૮૪ કરોડના લાભો લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં સીધા જ RTGSથી જમા કરાવ્યા હતા.
વિજય રૂપાણીએ રાજ્યના જિલ્લાઓમાં સ્થાનિક સ્તરે પોતાના આગવા ઊદ્યોગ-ઉત્પાદનને પ્રેરિત કરવા વન ડીસ્ટ્રીકટ- વન પ્રોડકટ – ODOP વિકસાવી કલસ્ટર ડેવલપ કરવાની દિશામાં પણ સરકાર વિચારાધિન હોવાનું જણાવ્યું હતું.
મુખ્ય સચિવ ડો.જે.એન. સિંઘે જણાવ્યું હતું કે, ગુજરાત આજે વિવિધ ક્ષેત્રે અગ્રેસર બનીને દેશને રાહ બતાવી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટ પૂર્ણ થતાંની સાથે જ સતત મોનીટરીંગ કરીને થયેલા એમ.ઓ.યુ. ઝડપથી કેવી રીતે અમલમાં આવે તે માટે સૂચનાઓ આપીને માર્ગદર્શન આપ્યું હતું અને માત્ર ૪પ દિવસની અંદર જ ૧,૬૬,૩૪૭ કરોડના પ્રોજેકટના ખાતમુર્હૂત, લોકાર્પણ થયા છે.
તેમણે વધુમાં કહ્યું કે, તાજેતરમાં ક્રીસીલ દ્વારા થયેલ અભ્યાસ સર્વેક્ષણના તારણો મુજબ વર્ષ ર૦૧૩-૧૭ દરમ્યાન રાજ્યનો CAGR ૯.૯ ટકા હતો એ વર્ષ ર૦૧૮માં વધીને ૧૧.૧ ટકા થયો છે. સંસ્થાએ એ પણ નોંધ્યું છે કે ગુજરાત માત્ર મૂડીરોકાણ ક્ષેત્રે જ નહીં પણ રોજગારીની ઉપલબ્ધિમાં પણ દેશમાં પ્રથમ ક્રમે છે.
મારૂતિ સુઝુકી કંપનીના સી.ઈ.ઓ. કેનિચી આયુકાવાએ જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૨૦ સુધીમાં હાંસલપુર ખાતે ત્રીજો પ્લાન્ટ કાર્યરત થઈ જશે. બેટરી મેન્યુફેકચરિંગ પ્લાન્ટ પણ એડવાન્સ સ્ટેજમાં છે. મારૂતિ કંપનીએ ૧૪ આઈ.ટી.આઈ.ને દતક લીધી છે.