દેશના પ્રથમ ‘‘સાસગુજ પ્રોજેકટ’’નો 7 જિલ્લાઓમાં પ્રારંભ, શું છે આ પ્રોજેક્ટ

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના નાગરિકોની વધુ સારી સલામતી અને સુરક્ષાને વેગ આપતા સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ અને નાગરિકોને ઘેરબેઠાં પોલીસ કામગીરીની સુવિધા ઉપલબ્ધ બનાવવા સિટિઝન ફર્સ્ટ મોબાઇલ એપનો બનાસકાંઠાથી ૭ જિલ્લાઓમાં પ્રારંભ કરાવ્યો છે.

આ પ્રસંગે મુખ્યપ્રધાને કહ્યું કે, પ્રજાની સુખાકારી, સલામતી અને વિકાસ માટે આ સરકાર મક્કમ રીતે સક્રિય અને સંકલ્પબદ્ધ છે. ગુજરાતને વધુ સુરક્ષિત અને સલામત બનાવવા સરકાર દ્વારા સેઇફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેકટ અમલી બનાવાયો છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ, કમાન્ડ અને કંટ્રોલ રૂમ તથા ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ વડે જાહેર સ્થળો ઉપર ઝીણવટભરી નજર રાખી શકાશે. સીસીટીવી કેમેરાની ત્રીજી આંખ ત્રિનેત્ર આપણી ઉપર નજર રાખી રહી છે તેવી વ્યવસ્થાથી ગુનાઇત પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો થશે તથા ગુનેગારોને પણ ઝડપથી પકડી શકાશે. તેમણે કહ્યું કે નજીકના સમયમાં જ રાજ્યભરમાં જાહેર સ્થળોને આ સિસ્ટમથી આવરી લેવાશે.

બનાસકાંઠા સહિત રાજ્યમાં બોટાદ, મહેસાણા, ગાંધીધામ, કચ્છ પૂર્વ, રાજકોટ ગ્રામ્ય, નર્મદા અને ગાંધીનગર જિલ્લાઓમાં ડિજિટલ  સી.સી.ટી.વી. કેમેરા આધારિત સિસ્ટામનો શુભારંભ કરવામાં આવ્યો છે.

આ પ્રોજેકટથી ટ્રાફિક વ્યવસ્થા ખુબ સારી રીતે જળવાશે. કારણ કે ટ્રાફિક નિયમોના ભંગ બદલ મેમો વાહનચાલકના ઘરે પહોંચી જશે. વારંવાર મેમો આપવા પડે તેવા વાહનચાલકોના લાયસન્સ રદ કરવા સહિતના કડક પગલાં લેવા સરકાર વિચારી રહી છે.

સિટિઝન ફર્સ્ટ મોબાઇલ એપનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ એપથી નાગરિકોને પોલીસ દ્વારા ૧૪ સુવિધાઓનો લાભ અપાશે. જેમાં એફ.આઇ.આર.ની નકલ, સિનિયર સિટિઝનની માહિતી, ના-વાંધા પ્રમાણપત્ર અને વેરિફિકેશન સર્ટિફિકેટ, ખોવાયેલ અને ચોરાયેલ મિલ્કતની જાણ વગેરે જેવી પોલીસ કામગીરીને લગતી સુવિધાઓ નાગરિકો ઓનલાઇન સિસ્ટમથી ઘેરબેઠાં મેળવી શકશે.

ડી.જી.પી. શિવાનંદ ઝાએ જણાવ્યું કે રાજ્યની જનતાની સલામતી અને સુરક્ષા માટે આ પ્રોજેક્ટ બહુ ઉપયોગી નિવડશે. લોકોની સલામતી અને સુરક્ષા માટે ટેકનોલોજીના ઉપયોગ સાથે અમલી બનાવાયેલી  આ સર્વેલન્સ સિસ્ટમથી શહેરો તથા ધાર્મિક સ્થળોના વિસ્તારમાં સીસીટીવી કેમેરાથી ચાંપતી નજર રાખી શકાશે.

ઉલ્લેખનીય છે કે, રૂ.૨૫૦ કરોડના ખર્ચથી અધતન ટેકનોલોજી વડે આ સિસ્ટમ અમલી બનાવાઇ છે, જે પોલીસ અને પ્રજાને ઉપયોગી નિવડશે. આ પ્રોજેકટમાં સર્વેલન્સ, સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા અને ટ્રાફિક મેનેજમેન્ટના સંચાલન માટે પાલનપુર શહેરમાં ૨૨ લોકેશન ઉપર ૧૮૮ અને પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ૯ લોકેશન ઉપર ૫૮ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરા ખુબ જ આધુનિક છે. જેનાથી ટ્રાફિકના નિયમોના ભંગ ઉપર નજર રાખી શકાય છે. ઇ-ચલણ માટેના એ.એન.પી.આર. કેમેરા દ્વારા નંબર પ્લેોટ વાંચી શકાય છે. ગુનાઓ અટકાવવા, ગુનાઓને શોધી ઝડપી નિકાલ માટે તથા અસામાજીક તત્વોની ઓળખ માટે આ વ્યાવસ્થાા ખુબ ઉપયોગી થશે. આ પ્રોજેકટ ગુજરાત પોલીસ આવાસ નિગમ, બીએસએનએલ, આર એન્ડ બી અને જીઆઇએલ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]