વડોદરાઃ સ્વચ્છતાને લઈને દેશભરમાં વિવિધ સંસ્થાનોમાં એવોર્ડ આપી પ્રોત્સાહન યોજના હેઠળ દેશના એરપોર્ટ્સમાં પણ એવોર્ડ જાહેર કરવામાં આવે છે. આપને જાણીને આનંદ થશે કે ગુજરાતના વડોદરાનું એરપોર્ટ આ વર્ષે સ્વચ્છતા જાળવવામાં નંબર વન આવ્યું છે. 31 માર્ચે દિલ્હીમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ ગુરુપ્રસાદ મહાપાત્રાના હસ્તે વડોદરા એરપોર્ટ ડાયરેક્ટર ચરણસિંહ સ્વચ્છ ભારત એવોર્ડ 2019નો એવોર્ડ સ્વીકારશે.દેશભરના કુલ122 એરપોર્ટમાંથી ગુજરાતના વડોદરા એરપોર્ટે સ્વચ્છતા અને સેફ્ટી મેજર્સમાં જંગ જીતી લીધો છે. વડોદરા એરપોર્ટને ક્લિનનેસ એન્ડ સેફ્ટી મેજર્સમાં સમગ્ર દેશમાં સર્વ પ્રથમ (સ્વચ્છ ભારત એવોર્ડ- 2019) એવોર્ડ પ્રાપ્ત થયો છે. 15 લાખ પેસેન્જર હેન્ડલિંગ કેટેગરીમાં વડોદરા એરપોર્ટને આ એવોર્ડ મળ્યો છે. દ્વિતીય ક્રમે મદુરાઇ અને તૃતીય ક્રમે ઉદેપુર એરપોર્ટનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા એરપોર્ટના ન્યૂ ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગ (એન.આઇ.ટી.બી)ને રૂ.160 કરોડના ખર્ચે સ્ટીલ સ્ટ્રક્ટરમાંથી તૈયાર કરાયું હતું. જેનું લોકાર્પણ તા.22મી ઓક્ટોબર 2016ના રોજ પીએમ મોદીએ કર્યું હતું. છેલ્લાં બે વર્ષના સમયગાળામાં વડોદરા એરપોર્ટને અન્ય એવોર્ડ પણ પ્રાપ્ત થયાં છે.
ગયા વર્ષે પણ વડોદરા એરપોર્ટને દ્વિતીય એવોર્ડ પ્રાપ્ત થયો હતો. પરંતુ આ વર્ષે 15 લાખ પેસેન્જરોને હેન્ડલ કરતા એરપોર્ટની કેટેગરીમાં વડોદરા એરપોર્ટને ક્લિનનેસ એન્ડ સેફ્ટી મેજર્સ સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે.
ગત ડિસેમ્બર મહિનામાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ખાનગી એજન્સી દ્વારા સર્વે હાથ ધરાયો હતો. જેમાં વડોદરાના ન્યુ ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગના 17,500 સ્ક્વેર મીટરના કાર્પેટ એરિયાની સ્વચ્છતા, સુઘડતા તેમ જ સલામતીએ સૌનું ધ્યાન દોર્યું હતું.