સુરત: ગુજરાતમાં વધતા ડ્રીક એન્ડ ડ્રાઈવના કેસનો લઈ સુરત જિલ્લા પાલિક હવે એક્શન મોડમાં જોવા મળી છે. શહેરમાં નો એન્ટ્રીમાં પ્રવેશ કરતા ભારે વાહનો સામે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આ સાથે દારૂનો નશો કરી વાહન હંકારતા ચાલકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં કુલ 400 જેટલા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટેનો રિપોર્ટ સુરત આરટીઓ વિભાગને કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા ચાર દિવસમાં 11 જેટલા ભારે વાહન ચાલકો સામે દારૂ પી ડ્રાઇવિંગ કરવા બદલ પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે એક અઠવાડિયા દરમિયાન 700 જેટલા વાહન ચાલકો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે 400 જેટલા નાના-મોટા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ સુરત આરટીઓ વિભાગને કરવામાં આવ્યો છે. જેથી વધતા જતા અકસ્માતોના બનાવને લઈને પોલીસ હવે એક્શનમાં આવી ગઈ છે તેવું કહી શકાય. શહેરમાં બનતી અકસ્માતની ઘટનાઓને અટકાવવા માટેનો પ્રયાસ ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહની સૂચના અન્વયે નો એન્ટ્રીમાં પ્રવેશ કરતા ભારે વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરી વાહનો પણ ડિટેઇન કરવામાં આવી રહ્યા છે. દરમિયાન દારૂનો નશો કરી વાહન હંકારતા નાના-મોટા વાહન ચાલકો સામે પ્રોહિબિશન હેઠળ ગુના દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ વધુ તેજ કરવામાં આવશે.