સૂરત– રેલવે પોલીસ ફોર્સ (RPF) એ સૂરતથી ટ્રેનમાં રમકડા વેચતા એક યુવકની ધરપકડ કરી છે. અવધેશ દૂબે નામના રમકડા વેચતાં આ યુવકનો એક વિડિયો વાયરલ થયાં બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. આ વિડિયોમાં અવધેશ દૂબે ટ્રેનમાં રમકડાં વેચતી વખતે નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી, બરાક ઓબામા સહિતના નેતાઓની મિમિક્રી કરતો જોવા મળી રહ્યો છે. છેલ્લાં થોડા દિવસથી પોતાના અનોખા અંદાજને લીધે સોશિયલ મીડિયા પર છવાયેલો હતો.
અવિનાશ દૂબે વારાણસીના રહેવાસી છે. આરપીએફે અવધેશ પર ટ્રેનમાં ગેરકાયદે ઘૂસીને શોરબકોર કરવાનો અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા સહિતના મામલે FIR દાખલ કરી છે. અવધેશ સામે ગેરકાયદેસર રીતે વસ્તુઓ વેચવાનો પણ કેસ નોંધવામાં આવ્યો છે. લગભગ 6 મિનિટના વીડિયોમાં અવધેશ પોતાની રસપ્રદ સ્ટાઈલથી
લોકોને રમકડાં વેચે છે. અવધેશ ટ્રેનના કોઈ એસી કોચમાં રમકડાં વેચતો હતો ત્યારે જ તેનો વીડિયો કોઈએ રેકોર્ડ કર્યો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો. જો કે, સોશિયલ મીડિયા પર આ રમકડાંવાળાની સેલ્સમેનશીપના જોરદાર વખાણ થયા. વીડિયોમાં તેનું નામ પૂછવામાં આવતાં તેણે કહ્યું, અવધેશ દૂબે, દેખે નહીં 5-6 કો ઈધર હી લે ડૂબે. નામ મે હી પ્રોબ્લેમ હૈ હમારે.
વારાણસીનો રહેવાસી અવધેશ બે વર્ષ પહેલા વલસાડ આવ્યો હતો. તેણે વાપી અને સૂરત વચ્ચે ટ્રેનમાં રમકડાં વેચવાનું કામ શરૂ કર્યું. અવધેશની ધરપકડ મુદ્દે RPFના ઈન્સ્પેક્ટર ઈશ્વરસિંહ યાદવે કહ્યું, અમે અવધેશ સામે ટ્રેનમાં ગેરકાયદે સામાન વેચવાનો ગુનો નોંધ્યો છે. ધરપકડ બાદ તેને રેલવે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 10 દિવસ માટે કસ્ટડીમાં મોકલ્યો છે.