અમદાવાદઃ આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે જેને લઈને કોંગ્રેસ દેશભરમાં ‘સંવિધાન બચાવો. ભારત બચાવો’ માર્ચ યોજશે. આ માટે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ પણ ગુજરાત આવશે અને કોંગ્રેસ સ્થાપના દિનના કાર્યક્રમમાં હાજરી આપશે. આ સાથે જ ગાંધી આશ્રમ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ પણ યોજાશે. ગાંધી આશ્રમથી નારણપુરા સરદાર પ્રતિમા સુધી પદયાત્રાનું આયોજન કરાશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી ગુવાહાટીમાં માર્ચની અધ્યક્ષતા સંભાળશે.
આ વર્ષે કોંગ્રેસના 135 મા સ્થાપના દિવસે રાજ્ય કોંગ્રેસ સમિતિના પ્રમુખોના નેતૃત્વમાં રાજ્યની રાજધાનીઓમાં માર્ચ કાઢવાનો કાર્યક્રમ છે. ‘બંધારણ બચાવો, ભારત બચાવો’ ના નારા સાથે આ પ્રસંગે યોજાનારી જાહેર સભાઓમાં ભારતના બંધારણની પ્રસ્તાવના સંબંધિત રાજ્યની ભાષામાં પણ વાંચવામાં આવશે.
રાજ્યના વિવિધ રાજધાનીઓમાં પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે. પાર્ટીના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, NRC / CAA લાગુ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે છેલ્લા કેટલાક દિવસોમાં કોલેજ, યુનિવર્સિટીઓ અને મોટી સંસ્થાઓમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. આવા ભારે વિરોધને જોઈને વડા પ્રધાન અને ગૃહમંત્રી તેમની વિશિષ્ટ શૈલીમાં વિરોધાભાસી વસ્તુઓ કહી રહ્યા છે. અને હવે રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટરની પ્રક્રિયા ગુપ્ત રીતે શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
નિવેદનમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે “પોલીસ વિરોધ કરનારાઓ પર આડેધડ હુમલો કરી રહી છે.” અનેક જગ્યાએ પોલીસ ફાયરિંગને કારણે લોકોના મોત થયાના સમાચાર પણ છે. તે જ સમયે, સરકાર તરફથી વિવિધ પ્રસંગોએ વડા પ્રધાન અને ગૃહ પ્રધાનના વિરોધાભાસી નિવેદનો બહાર આવ્યા છે. સીએએ બંધારણના આર્ટિકલ 14 માં પૂરા પાડવામાં આવેલ ખાતરીઓની ઉલ્લંઘનની દરખાસ્ત કરે છે. આ ભારતીય બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે. “