અમદાવાદ: આમ તો વિવિધ રોગોના નિદાન અને સારવાર માટે ખાસ મેડિકલ કેમ્પ યોજાય એ વાતની નવાઇ નથી, પણ અમદાવાદમાં આ 20 થી 22 ડીસેમ્બર દરમ્યાન એક મેડિકલ કેમ્પ યોજાઇ રહયો છે એની વાત કાંઇક વિશેષ છે. વિશેષ એટલા માટે કે, મેન-ત્સે-ખંગ સંસ્થા દ્વારા જાણીતી અને છતાં અજાણી એવી ચિકિત્સા પધ્ધતિથી આ કેમ્પમાં નિદાન અને સારવાર થશે. સાથે સાથે, દરેક દર્દીઓનું એના કુંડળીના ગ્રહોની સ્થિતિ પ્રમાણે કન્સલ્ટેશન પણ થશે.
શું છે આ તિબેટીયન ચિકિત્સા પધ્ધતિ?
આ તિબેટીયન ચિકિત્સા પધ્ધતિ આમ તો પરંપરાગત રીતે લગભગ બે હજાર વર્ષ જૂની ચિકિત્સા પધ્ધતિ છે. આ પધ્ધતિના આધારે 13 મા દલાઇ લામાએ 1916 માં મેન-ત્સે-ખંગ એટલે કે, તિબેટીયન મેડિકલ એન્ડ એસ્ટ્રો ઇન્સ્ટીટયુટની સ્થાપના કરી. એ પછી 14 મા દલાઇ લામા (વર્તમાન) એ 1961 માં એની ધરમસાલા (હિમાચલ પ્રદેશ) માં પુનઃસ્થાપના કરી. સંસ્થાના ગુજરાત ખાતેના મુખ્ય રેસિડેન્ટ ડોક્ટર મિગ્માર લ્હામો ચિત્રલેખા.કોમને કહે છે એ પ્રમાણે, આ ચિકિત્સા પધ્ધતિમાં મુખ્તત્વે ત્રણ પ્રકારે નિદાન અને સારવાર થાય છેઃ દર્દીના નાડી તપાસીને, જરૂર લાગે તો દર્દીના પેશાબની તપાસ કરીને અને દર્દી સાથે રોગના લક્ષણોની પૂછપરછ કરીને. નિષ્ણાત તબીબો ફ્કત આ ત્રણ પ્રક્રિયાથી જ દર્દીના રોગનું નિદાન કરી લે છે અને એ પ્રમાણે જ સારવાર કરે છે.
જોવાની વાત એ છે, દર્દી જ્યારે અહીં ડોક્ટર પાસે જાય છે ત્યારે એમણે પોતાને શું તકલીફ છે એ કહેવાની જરૂર પડતી નથી. બલ્કે, ડોક્ટર જ એમની નાડી ચકાસીને એમની તકલીફ સામેથી જણાવે છે.
આયુર્વેદ અને આ તિબેટીયન ચિકિત્સામાં શું ફરક છે?
આમ તો નાડી તપાસીને નિદાન કરવાની વાત આવે એટલે આ પધ્ધતિ ભારતની પરંપરાગત આયર્વેદ પધ્ધતિને મળતી આવતી હોય એવું લાગે. બન્ને પધ્ધતિ અતિ પ્રાચીન છે અને બન્નેમાં ઉપચારમાં જડીબુટ્ટીઓ અને ખોરાક પર વિશેષ ભાર મૂકવામાં આવે છે, આમ છતાં આ બન્ને પધ્ધતિમાં ઘણો ફરક પણ છે. ખાસ કરીને સારવાર અને દવાઓમાં.
જીવનશૈલી અને ડાયેટ પર ભાર
ડો. મિગ્માર લ્હામો કહે છે, એમ ગુજરાતમાં આ પધ્ધતિથી એમની ટીમ છેલ્લા 12 વર્ષથી સારવાર કરે છે અને અનેક અસાધ્ય રોગ ધરાવતા દર્દીઓને એમણે સાજા કર્યા છે. ગુજરાતમાં મુખ્યત્વે જીવનશૈલીના કારણે ઉદભવતા ડાયાબિટીસ અને હદયને લગતા રોગોનું પ્રમાણ ખૂબ જ વધારે છે. લોહીના ઉંચા દબાણ એટલે કે બ્લડ પ્રેશરને લગતા રોગો ધરાવતા દર્દીઓ પણ એમના પાસે મોટી સંખ્યામાં આવે છે. સારવારમાં એ મુખ્યત્વે જીવનશૈલી બદલવાની અને ખોરાકની આદત બદલવાની વાત પર ખૂબ ભાર મૂકે છે.
અન્ય ચિકિત્સા પધ્ધતિનો વિરોધ નહીં
ડો. મિગ્માર કહે છે એમ એમને ત્યાં આવનાર દર્દી મોટાભાગે આ પધ્ધતિને વૈકલ્પિક પધ્ધતિ માનીને આવતો હોય છે અને એમાં એમને કશો વાંધો પણ નથી. મૂળમાં એ કે એમની ટીમ કોઇપણ ચિકિત્સા પધ્ધતિને નકારતા કે એનો વિરોધ કરતા નથી. કોઇ દર્દી સારવાર દરમ્યાન એલોપથીની દવાઓ ચાલુ રાખવાનો આગ્રહ રાખે તો પણ એ મનાઇ કરતા નથી. એમનું ફોકસ ફક્ત દર્દીના શરીરમાંથી રોગને મૂળભૂત રીતે દૂર કરવા તરફ જ હોય છે. રોગના પાક્કા નિદાન માટે કે પછી રોગની વધતી કે ઘટતી જતી સ્થિતિ પર નજર રાખવા માટે જો દર્દી એલોપથીમાં ઉપયોગમાં લેવાતા આધુનિક સાધનોનો ઉપયોગ કરવા ઇચ્છે તો પણ એ મનાઇ કરતા નથી.
હોરોસ્કોપની ય મદદ
આ પધ્ધતિ પરંપરા અને એસ્ટ્રોલોજીમાં પણ ભરોસો મૂકે છે. નિષ્ણાતો માને છે કે દર્દીના રોગની સારવાર સમયે એના ગ્રહોની સ્થિતિને પણ જો ધ્યાનમાં લેવામાં આવે તો એ ખૂબ ઉપકારક નીવડે છે. આ અંધશ્રધ્ધા નથી, એસ્ટ્રોલોજીની વૈજ્ઞાનિક ઢબે મદદ લેવાની વાત છે. આ માટે ધરમશાલાથી એના નિષ્ણાત ખાસ કેમ્પમાં હાજર રહીને દર્દીઓને એમના સ્ટાર્સની મદદથી માર્ગદર્શન આપશે.