આ દિવાળીએ બજારમાં રોશનીનો ઝળહળાટ ઘટ્યો

અમદાવાદઃ દેશમાં ઉત્સવો-તહેવારોમાં ઉમંગ અને ઉત્સાહ જળવાઈ રહે એ માટે લોકો જુદા-જુદા પ્રયોગો કરતા જ રહે છે. દિવાળી જેવા તહેવારમાં પોતાનું ઘર, ઓફિસ, ઇમારતો, ધાર્મિક સ્થળો બીજાથી કંઇક અલગ જ રીતે ઝગમગી ઊઠે એ માટે અવનવા આકારમાં રોશની કરે છે.

દર વર્ષે દુકાનો, મોલ મલ્ટિપ્લેક્સ, શોપિંગ સેન્ટરો, મંદિરો ઉપર દીપોત્સવી દરમિયાન મોટા પ્રમાણમાં રોશની કરવામાં આવતી હોય છે, પરંતુ કોરોનાના રોગચાળા, મંદી અને મોંઘવારીના કારણે આ વર્ષે બજારમાં અને ઇમારતો પર 15 ટકા જેટલી પણ રોશની કરવામાં આવી નથી.

કપડાં, દાગીના, બુટ ચંપલ, હોટલ-રેસ્ટોરન્ટ ,મીઠાઇ નમકીન, બેંકિંગ સેક્ટર, મોલ મલ્ટિપ્લેક્સ, બિલ્ડર્સ  જેવા અનેક ધંધા-વેપાર સાથે સંકળાયેલા લોકો ગ્રાહકોને આકર્ષવા ઇમારતો પર ઝગમગતી રોશની કરતા હોય છે. પરંતુ આ વખતે અમદાવાદ શહેરની જ વાત કરીએ તો પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા બજારના વેપારના સ્થળોમાં ખૂબ જ ઓછી ઇમારતો પર રોશની જોવા મળી રહી છે.

કોરોનાના રોગચાળાથી ઉત્સવોનો ઉત્સાહ ઓસર્યો નથી, પણ ખોટા ખર્ચા અને ઉડાઉપણું ઓછા થઇ ગયા છે. દરેક વિસ્તારોના નાના-મોટાં બજારોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનું જ વેચાણ હાલપૂરતું વધારે જોવા મળે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)