સુરતમાં એક જ દિવસમાં આ બે દુષ્કર્મની ઘટના

સુરત: કતારગામ વિસ્તારમાં 14 માર્ચની મોડી રાતે એક અજાણ્યા શખ્સે ફૂટપાથ પર માતા અને ભાઈ-બહેનો સાથે સુઈ રહેલી 6 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું છે. ગુનાને અંજામ આપ્યા બાદ આરોપીએ બાળકીને પાછી તે જ જગ્યાએ મૂકી દીધી. ગંભીર ઈજાઓને કારણે બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો હ્યુમન ઈન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધમાં લાગી છે. બાળકીના પ્રાથમિક નિવેદનના આધારે આરોપીના ચહેરાનું વર્ણન તૈયાર કરવામાં આવ્યું છે.

બીજી બાજું સુરત શહેરમાંથી સંબંધોને શર્મસાર કરનારી ઘટના પ્રકાશમાં આવી છે. 16 વર્ષની સગીરા સાથે કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બની હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં સગીરાની માતાના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હતી. હાલ, સમગ્ર મામલે સગીરાની માતાએ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે સમગ્ર મામલે POCSO હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અગાઉ, 12 માર્ચે સુરતના ઉત્રાણ વિસ્તારમાં એક ગેંગરેપની ઘટના સામે આવી હતી. મહારાષ્ટ્ર જતી ટ્રેનમાં મુસાફરી કરી રહેલી મહિલાને, એક અજાણ્યા શખ્સે તેણીના પતિને ઓળખતો હોવાનો ભ્રમ પેદા કરી, ઉધના રેલવે સ્ટેશન પર ઊતારી હતી. ત્યારબાદ તેને અવારાં જગ્યા પર લઈ જઈ બે દિવસ સુધી અન્ય સાગરીત સાથે મળીને દુષ્કર્મ આચર્યું. મહિલાને ગંભીર રીતે માર મારી તેના પાસેથી કિંમતી વસ્તુઓ પણ લૂંટી લેવામાં આવી. એક સ્થાનિક વ્યક્તિએ પાલતું શ્વાન સાથે પસાર થતા આ ઘટનાને જોઈ તુરંત પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે મહિલાને હોસ્પિટલમાં ખસેડી અને બંને આરોપીઓને ઝડપી લીધા છે.