ગાંધીનગર- રાજ્યના CNG વાહનધારકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તેવા હેતુથી ગુજરાતમાં મોટી સંખ્યામાં નવા CNG પંપ શરૂ કરવાનો નિર્ણય સરકારે લીધો છે. આ સંદર્ભમાં મુખ્યપ્રધાન વિજય રુપાણીએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં 300થી વધારે નવા CNG સ્ટેશન ‘CNG સહભાગી યોજના’ અંતર્ગત રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થાપવાનું આયોજન છે.
આ CNG સ્ટેશનની સ્થાપના રાજ્યના વિવિધ શહેરો તેમ જ ધોરીમાર્ગ પર કરવામાં આવશે એટલું જ નહીં, ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા રાજ્યના ઉદ્યોગ સાહસિકોને આ ‘CNG સહભાગી યોજના’ અન્વયે CNG આધારિત હરિયાળી ક્રાંતિમાં સહભાગી થઈ મોટું વળતર મેળવવાની તક મળવાની છે.રાજ્યમાં હાલ જ્યાં પેટ્રોલ પંપ કાર્યરત હોય તેવા પેટ્રોલ પંપ ધારકો પણ સરળતાએ CNG પંપ શરૂ કરી શકશે. આ માટે તેમણે કોઇ વધારાની પરવાનગીઓ સરકારમાંથી લેવાની રહેશે નહીં.
આ ‘CNG સહભાગી યોજના’ અન્વયે શહેરી-નગરપાલિકા વિસ્તાર તથા હાઈવે પર સહભાગીદારી મોડેલ પદ્ધતિ અંતર્ગત સીએનજી ફ્રેન્ચાઈઝી (સ્વસંચાલિત ડિલર) મોડલ અને પીએસયુ- ઓએમસી ડીલર એમ બે પ્રકારના સીએનજી સ્ટેશનોનો સમાવેશ થાય છે. પીએસયુ-ઓએમસી ડીલર અંતર્ગત ઓનલાઈન સીએનજી સ્ટેશન (પાઈપલાઈન દ્વારા) અથવા ડોટર બુસ્ટર સીએનજી સ્ટેશન (પાઈપલાઈન વિના)નો સમાવેશ થાય છે.
નવા સીએનજી સ્ટેશનનો પ્રારંભ કરવા માટે મુખ્ય સાધનો કંપની દ્વારા પૂરા પાડવામાં આવશે તેમજ અન્ય કાર્ય માટે સહયોગ પણ પૂરો પાડવામાં આવશે. એનઓસી અને સિવિલ કામ અરજીકર્તાએ કરવાનું રહેશે. અરજીકર્તા જે સ્થળે સીએનજી સ્ટેશન સ્થાપવા ઈચ્છતા હોય તે જગ્યાની માલિકી અરજીકર્તાની હોવી આવશ્યક છે, તેમ પણ બેઠકમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં પાછલા ૨૩ વર્ષમાં ૫૪૨ CNG સ્ટેશન ઊભા કરાયા છે, તેની સામે આગામી બે વર્ષમાં જ નવા ૩૦૦ CNG સ્ટેશન ઊભા કરાશે. સાથે જ ઘરેલું વપરાશકારો ઘરે ઘરે પાઇપલાઇન દ્વારા ગેસ માટે PNG નેટવર્કને પણ વ્યાપક બનાવાશે.તદઅનુસાર, હાલ ૧૩.૫૦ લાખ ઘરોમાં PNG ગેસનો ઉપયોગ થાય છે તે વધારીને આગામી ૩ વર્ષમાં વધુ ૪.૫૦ લાખ ઘરોમાં વિસ્તારી ૨૦૨૨ સુધીમાં ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા ૧૮ લાખ ઘરોને PNG ગેસથી સાંકળી લેવાના આયોજનને પણ ઓપ આપવામાં આવ્યો હતો.
રાજ્યમાં ઘરેલું વપરાશકર્તાઓ સંપૂર્ણતઃ PNG નેટવર્કનો ઉપયોગ કરતા થાય તે માટે વાર્ષિક બે લાખ સુધીની આવક ધરાવતા પરિવારો માટે PNG કનેક્શનની ડિપોઝિટ રૂ. ૧ હજાર તથા બે લાખથી વધુ વાર્ષિક આવક ધરાવતા પરિવારો માટે રૂ. પાંચ હજાર ડિપોઝિટ લેવાય તે અંગે પણ સૂચન કર્યું હતું.
આ વર્ષે ઇન્ડસ્ટ્રિયલ સેક્ટરના ગેસ વેચાણમાં બે ગણી એટલે કે ૪૦ લાખ SCMDથી વધીને ૮૦ લાખ SCMDની વૃદ્ધિ થઈ છે. ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય છે જેના તમામ જિલ્લાઓમાં સિટી ગેસના વિતરણ માટેની અધિકૃત મંજૂરીઓ મળેલી છે.સમગ્ર દેશમાં ૧૭૬૨ CNG સ્ટેશનો સ્થપાયાં છે, તેમાંથી ૩૧ ટકા એટલેકે ૫૪૨ CNG સ્ટેશન સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે.
આ ૫૪૨ સ્ટેશનમાંથી ૩૪૪ સ્ટેશન એટલે કે ૬૨ ટકા સ્ટેશન્સ ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ સંચાલિત છે. આ CNG સ્ટેશન દ્વારા અંદાજે ૩.૫૦ લાખથી વધુ CNG વાહનોને રોજનો ૧૭.૪૦ લાખ કિ.ગ્રા. CNG ગેસ સરળતાએ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. CNG ફ્રેન્ચાઇઝી પ્રક્રિયાને ઝડપી અને પારદર્શી બનાવવા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવશે તેમ જ આ સમગ્ર યોજનાની વધુ વિગતો www.cngsahbhaagi.com વેબસાઇટ પરથી પણ ઉપલબ્ધ થશે.