ગાંધીનગર- વ્યકિતના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય-તંદુરસ્તીને ચુસ્તી-સ્ફૂર્તીથી તરબતર રાખતી યોગ સાધનાથી હ્વદયરોગની બિમારીઓ પણ દૂર થઇ શકે તે અંગેની જનજાગૃતિ માટે આ વર્ષે પાંચમાં વિશ્વ યોગ દિવસની થીમ ‘‘યોગ ફોર હાર્ટ કેર’’ રાખવામાં આવી છે.
શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે આગામી ર૧ જૂન-ર૦૧૯એ પાંચમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી ગુજરાતમાં જનઉત્સાહ અને ઉમંગ સાથે પ૦ હજારથી વધુ સ્થાનોએ સામૂહિક યોગ ક્રિયાથી કરાશે. આ વર્ષે વિશ્વ યોગ દિવસની ઉજવણીની પાંચમી કડીમાં ગુજરાતમાં ૩૩ જિલ્લાઓ ૮ મહાનગરો તેમજ જિલ્લા, તાલુકા, નગરપાલિકા કક્ષાએ મળીને ૧ કરોડ પ૧ લાખથી વધુ નાગરિકોને સામૂહિક યોગાભ્યાસમાં સાંકળી લેવાનું આયોજન રાજ્ય સરકારે કર્યુ છે.
આ વર્ષે શાળા-મહાશાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજીસ-યુનિવર્સિટી તેમજ પોલીટેકનીક, ઇજનેરી-ફાર્મસી કોલેજના યુવા છાત્રો, આઇ.ટી.આઇ. જેવી શૈક્ષણિક સંસ્થાઓ સહિત જી.આઇ.ડી.સી.ના ઊદ્યોગો પણ સ્વૈચ્છિક સંગઠનો અને સ્વયંભૂ નાગરિક સમુદાય સાથે યોગ સાધનામાં જોડાવાના છે.
વિશ્વ યોગ દિવસની ઉજવણીની વિશેષતાઓ
ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ધરોહર સમા યોગને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે તેને હવે રાજ્યના પ્રવાસન-યાત્રાધામો અને ઐતિહાસિક મહત્તા ધરાવતા સ્થાનો સાથે જોડીને યોગ સહ પ્રવાસનને વેગ આપવાનો નવતર અભિગમ ગુજરાતે અપનાવ્યો છે. આ સંદર્ભમાં રાજ્યમાં વિવિધ ઐતિહાસિક, ધાર્મિક સ્થળો અને વ્યકિત વિશેષોના જન્મ સ્થળોએ પણ વિશ્વ યોગ દિવસની જનભાગીદારીથી ઉજવણી કરવામાં આવશે. આવા ૧પ૦ થી વધુ સ્થળોએ સામૂહિક યોગક્રિયા હાથ ધરાશે.
આ ઉપરાંત મોઢેરા સૂર્યમંદિર, આદ્યશિકત ધામ અંબાજીનો ચાચર ચોક, દ્વાદશ જ્યોર્તિલીંગના પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ, ભગવાન કૃષ્ણની નગરી દ્વારિકા, ઉપરાંત ડાકોર, શામળાજી, પાવાગઢ, સીદી સૈયદની જાળી, રાણકીવાવ, સરખેજ રોજા, લોથલ, પોરબંદર કિર્તીમંદિર, ઉદવાડા પારસી અગિયારી, અમૂલ ડેરી, મહાત્મા મંદિર સમીપે દાંડીકૂટિર, અક્ષરધામ, તૂલસી શ્યામ, કવિ કલાપીની જન્મભૂમિ, બૌધ ગુફાઓ તેમજ સાપૂતારા જેવા પ્રવાસન ધામોમાં પણ 21 જૂને યોગ અભ્યાસ કરવામાં આવશે.
વિશ્વ યોગ દિવસની આ ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી સંદેશનું પ્રસારણ સવારે ૬:૩૦ વાગ્યાથી રાજ્યભરમાં જિલ્લા-તાલુકા-નગર કક્ષાએ જે સામૂહિક યોગ અભ્યાસ થવાના છે ત્યાં વિડીયો લીંક મારફત પ્રસારિત કરવાની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
આ પાંચમાં વિશ્વ યોગ દિવસમાં વિવિધ ધર્મસંપ્રદાયના ૧૦૦૦ જેટલા સંતો-મહંતો-ધર્મગુરૂઓને પણ સામૂહિક યોગ અભ્યાસમાં સહભાગી કરવાના વિશિષ્ટ આયોજનની પણ વિસ્તૃત છણાવટ કરી હતી. સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ કેવડીયા ખાતે આ સાધુ-સંતો-મહંતો પણ સામૂહિક સાંધ્ય યોગ અભ્યાસમાં જોડાશે. અને અનેકતામાં એકતાના મંત્રને યોગ સાધનાથી સાકાર કરશે.
ચુડાસમાએ જણાવ્યું કે, ગત વર્ષે ર૧મી જૂને ચોથા વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ૧ કરોડ રપ લાખ લોકોએ સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. આ વર્ષે ૧ કરોડ પ૧ લાખથી વધુ લોકોને સામૂહિક યોગ સાધનામાં જોડવા માટે સમગ્ર વહિવટીતંત્ર અને જિલ્લા-નગરોના સત્તાતંત્રોએ સુદ્રઢ આયોજન કર્યુ છે.