સિંહ, સાવજ, ઊંટિયો વાઘ, બબ્બર શેર, કેસરી, ડાલામત્થો જેવા ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં માત્ર ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. વર્ષ ૧૯૮૦થી ગીર એશિયાઇ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયું છે. એશિયાઈ સિંહ માત્ર ગુજરાતનું જ નહીં એશિયાનું પણ ગૌરવ છે.
દર પાંચ વર્ષે કરવામાં આવે છે સિંહની વસ્તી ગણતરી
ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો આગામી ૧૬મો વસ્તી અંદાજ-૨૦૨૫ સંભવિત તા.૧૦ થી ૧૩ મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવશે. જેમાં પ્રાથમિક વસ્તી અંદાજ મે મહિનાની તા.૧૦ થી ૧૧ અને આખરી વસ્તી અંદાજ તા.૧૨ થી ૧૩ મેના રોજ હાથ ધરવામાં આવશે. આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાના કુલ ૩૫ હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ગ્રામ્ય કક્ષાએ ઇકો-ડેવલપમેન્ટ કમિટીની સ્થાપના, વન્ય પ્રાણી મિત્ર નક્કી કરવાં, નિયમિત સમયાંતરે નૈસર્ગિક શૈક્ષણિક કેમ્પનું આયોજન, ગીરની વનસ્પતિસૃષ્ટિ તેમજ તૃણાહારી જીવસૃષ્ટિનું નિરીક્ષણ-દેખભાળ તેમજ કૌશલ્યવાન માનવબળ સાથે સ્થાનિક લોકોનો સહકાર લેવો જેવા અવિરત પ્રયાસો કરવામાં આવે છે.
રાજ્યમાં સૌપ્રથમ વર્ષ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. અંદાજિત આંકડા મુજબ વર્ષ ૧૯૯૫માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા એમ મળીને કુલ ૩૦૪ જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ ૨૦૦૧માં કુલ ૩૨૭, વર્ષ ૨૦૦૫માં કુલ ૩૫૯, વર્ષ ૨૦૧૦માં કુલ ૪૧૧, વર્ષ ૨૦૧૫માં કુલ ૫૨૩ અને છેલ્લે વર્ષ ૨૦૨૦માં કુલ ૬૭૪ જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે.
ડાયરેક્ટ બીટ વેરીફીકેશન પદ્ધતિ
એશિયાઈ સિંહોની વસ્તી અંદાજ માટે ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ ખુબ ઉપયોગી પદ્ધતિ છે. આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ ૧૦૦ ટકા ચોકસાઈ મળે છે. ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલો, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્તારો, રેવન્યુ વિસ્તારોમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે.
સમગ્ર વિસ્તારને રિજિયન, ઝોન, સબ ઝોન જેવા શ્રેણીબદ્ધ એકમોમાં વિભાજીત કરીને રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ, ગણતરીકારો, મદદનીશ ગણતરીકારો, નિરીક્ષકો સહિત લગભગ ૩,૦૦૦ જેટલા સ્વયંસેવકો દ્વારા સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવશે. તેમને સિંહોની નોંધ અને ચકાસણી કરવા માટે નિયત પત્રકો અને તેમના સોંપાયેલ વિસ્તારોના નકશા આપવામાં આવશે. આ પત્રકોમાં અવલોકનનો સમય, હિલચાલની દિશા, લિંગ, ઉંમર, શરીર પરના કોઈ અન્ય ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગૃપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવશે.
મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ
સિંહોની વ્યક્તિગત ઓળખ કરવા માટે હાઈ રીઝોલ્યુશન કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. કેટલાક સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા છે, જે તે સિંહ તેમજ તેના ગૃપનુ લોકેશન મેળવવામાં મદદ કરશે. સિંહ અવલોકનના રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થાય તે માટે e-GujForest એપ્લિકેશનનો ઉપયોગ પણ કરવામાં આવશે, જેમાં જી.પી.એસ. લોકેશન અને ફોટાનો સમાવેશ થવાથી ચોકસાઇ અને કાર્યક્ષમતામાં વધારો થશે. આ ઉપરાંત જી.આઇ.એસ. સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા તથા સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવશે.
