ગાંધીનગર- રાજ્યમાં પાણીની અછતને નિવારવાના વિવિધ ઉપાયો પૈકીનો એક એવો મહત્વાકાંક્ષી ડીસેલિનેશન પ્લાન્ટ અને એમાં ઉત્પાદિત થનાર મીઠાં પાણીના પ્રતિલિટરના ભાવ નક્કી થઈ ગયાં હોવાની જાણકારી વિધાનસભામાં બહાર આવી છે.ઉલ્લેખનીય છે કે જામનગર-જોડિયા ખાતે ડીસેલિનેશન પ્લાન્ટ બની રહ્યો છે.
સરકારના જણાવ્યાં પ્રમાણે ડીસેલિનેશન પ્લાન્ટમાં દરિયાના ખારા પાણીને મીઠુ બનાવી રૂ.૫.૭ પૈસા પ્રતિલિટરે
વપરાશકારોને આપવામાં આવશે. સાથે જ એ પણ જાહેર કરવામાં આવ્યું છે કે ખારામાંથી મીઠુ પાણી બનાવવા માટેના રુપિયા ૭૦૦ કરોડના પ્લાન્ટનો તમામ ખર્ચ ઇજારાદાર ભોગવશે.
વિધાનસભામાં જણાવાયાં પ્રમાણે રાજ્યમાં વધુ સાત પ્લાન્ટ દરિયા કિનારા સંલગ્ન જિલ્લાઓમાં સ્થાપવામાં આવશે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાના જામનગર જોડિયા ખાતે પી.પી.પી. ધોરણે શરૂ થનાર પ્લાન્ટથી માત્ર 5.7 પૈસે પ્રતિલીટર પાણી વપરાશકારોને મળશે તેમ જ દુષ્કાળ જેવી સ્થિતિમાં મીઠું પાણી મેળવવાનો વધુ વિકલ્પ ગુજરાતની પ્રજાને મળશે.
જામનગર જિલ્લાના ખારા પાણીને મીઠું બનાવવાના પ્રોજેકટ અંતર્ગત જામનગર જિલ્લાના જોડિયા ખાતે દૈનિક ૧૦ કરોડ લીટર દરિયાના ખારા પાણીને ડીસેલીનેશન દ્વારા મીઠુ પાણી બનાવતી એજન્સી રૂ. ૭૦૦ કરોડનું રોકાણ કરી માત્ર ૫.૭ પૈસે પ્રતિલીટર પાણી ૨૫ વર્ષ સુધી પુરૂ પાડશે.
આ માટે થયેલ નિયત ટેન્ડર શરતો અનુસાર સંબંધિત પ્લાન્ટનું મેઇન્ટેનન્સ, પાવર બિલ સહિત તમામ ખર્ચ જે તે કંપની ભોગવશે.
(મુખ્યપ્રધાનની ઈઝરાયેલના ડીસેલિનેશન પ્લાન્ટની ફાઈલ તસવીરો)
સીએમે વધુમાં જણાવ્યું કે ગુજરાતના ૧૬૦૦ કિ.મી. લાંબા દરિયા કિનારાના સાત જિલ્લાઓમાં દરિયાના ખારા પાણીને ડીસેલીનેશન દ્વારા મીઠુ બનાવવાના પ્લાન્ટ માટેની પ્રક્રિયાઓ જુદા જુદા તબક્કામાં છે. આ જિલ્લાઓમાં પણ વપરાશકારોને બજારમાં મળતા પ્રતિલીટર મીઠા પાણીથી સસ્તુ પાણી વપરાશકારોને મળશે.
દરમિયાન પાણી પુરવઠાપ્રધાન કુંવરજી બાવળીયાએ જામનગર ખાતે ઇજારદાર પાસેથી પ્રતિદિન ૧૦૦ એમએલડી પાણી રૂ. 57 પ્રતિ હજાર લીટરના દરે બે વર્ષ સુધી પુરું પાડશે તેમ જણાવ્યું હતું.