ભુજઃ કચ્છના સફેદ રણ ધોરડોમાં યોજાનારી પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં ભાગ લેવા માટે G-૨૦ સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમ જ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ તેમ જ સહભાગીઓ ભુજ એરપોર્ટ પર ઊતર્યા હતા, ત્યારે એરપોર્ટમાં પધારેલા પ્રતિનિધિઓનું કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ પ્રસ્તુતિ દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પનઘટ ગ્રુપ દ્વારા જોડિયા પાવા, ઘડો ઘમેલો, સંતાર, મંજીરા અને ખંજરી વગેરે કચ્છી લોકવાદ્યો સાથે કચ્છી લોકસંસ્કૃતિની ઝાંખી દર્શાવતાં લોકનૃત્યો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
આ પ્રતિનિધિઓએ પણ આ પળે કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓને ઉત્સાહભેર માણી હતી. ગુજરાતના કચ્છના રણની આકર્ષક સફેદ રેતી સાતથી નવ ફેબ્રુઆરી, ૨૦૨૩માં G-20 દેશોના પર્યટન ક્ષેત્રના પ્રતિનિધિઓના મંડળની સાક્ષી બનશે. પર્યટન મંત્રાલય દ્વારા યોજવામાં આવી રહેલી G-20ના નેજા હેઠળ પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહની બેઠક કચ્છના ધોરડોમાં યોજાવાની છે. આ પ્રસંગે કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી.કિશન રેડ્ડી, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ ડેલિગેશન સાથે પધાર્યા હતા.
ભુજ એરપોર્ટમાં કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબહેન કારા, ધારાસભ્ય – કેશુભાઈ પટેલ, માલતીબહેન મહેશ્વરી, ત્રિકમભાઈ છાંગા, ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, અગ્રણી વલમજીભાઈ હુંબલ, શિતલભાઈ શાહ, જિલ્લા કલેકટર દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહીને પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું.