એશિયાટિક સિંહો પર રહેશે AIની નજર!

ગુજરાત સિંહનો માટે વખણાય છે. 2018માં આકસ્મીક રીતે સિંહના મૃત્યુ થવાના કેટલાક અહેવાલ વહેતા થયા હતા. જેના આધારે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો પિટિશન હાથ ધરી હતી. જે મુદ્દે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ વધુ સુનાવણી હાથ ધરાઇ હતી. હાઈકોર્ટે ગત સુનાવણીમાં રેલવે અને વન વિભાગ ભેગા મળીને એક હાઈ લેવલ કમિટી બનાવે જે સિંહોના આકસ્મિક મૃત્યુના કારણો અને તેને અટકાવવાના ઉપાયો શોધીને એક SOP બનાવવાનો હુકમ કર્યો હતો.

હાઈકોર્ટના આદેશ મુજબ 10 સભ્યોની એક કમિટી બનાવવામાં આવી છે. જેમાં 5 સભ્યો વન વિભાગના અને 5 સભ્યો રેલવેના ઉચ્ચ અધિકારીઓ છે. રેલવે ટ્રેક ઉપર સિંહોના મૃત્યુને અટકાવવા SOP, મીટર ગેજને બ્રોડગેજમાં ફેરવવા માટે યોગ્યતા જોવી અને જે અકસ્માતોમાં સિંહોના મૃત્યુ થયા છે તેની તપાસ કરવી. SOPની અંદર ગીરના જંગલોમાં સૂર્યાસ્તથી લઈને સૂર્યોદય સુધી ટ્રેનની સ્પીડ ઘટાડવાની પણ ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત સિંહોના કોરિડોરમાં અંડરપાસ બનાવવાની વાત છે. રેલવે ટ્રેક કે તેની આજુબાજુમાં દેખાય તો તુરંત પગલાં લેવા માટેનું મિકેનિઝમ ગોઠવવામાં આવ્યું છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો ઉપયોગ સિંહોને બચાવવા માટે કરવામાં આવશે. રેલવે સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવશે. સમયાંતરે રિવ્યૂ મિટિંગ યોજવામાં આવશે, સિંહોના હોટસ્પોટ વિસ્તારોમાં ટ્રેનની સ્પીડ 30 કિલોમીટર પ્રતિ કલાક રહેશે, સિંહોના ટ્રેકરને વોકીટોકી, મોબાઇલ વગેરે સાધનો આપવામાં આવ્યા છે. ફોરેસ્ટ વિભાગનો એક કર્મચારી ડિવિઝનલ રેલવે મેનેજરની ઓફિસે ઉપસ્થિત રહેશે. સિંહોની વિગતો વ્હોટ્સએપ ગ્રુપ દ્વારા શેર કરવામાં આવશે.

હાઈ લેવલ કમિટી ઉપરાંત શેત્રુંજી, રાજુલા, ગીર અને સાવરકુંડલા માટે એક જોઈન્ટ કમિટી બનાવવામાં આવી છે. જે દર મહિનાના પહેલા અઠવાડિયે મિટિંગ કરશે. બીજી ડિવિઝનલ ઝોન કમિટી બનાવવામાં આવી છે. જેમાં ટ્રેનની સ્પીડ ઘટાડવા અને લાયન ટ્રેકર સિંહ ઉપર વોચ રાખશે. દર મહિનાના પહેલા અઠવાડિયામાં તેની મિટિંગ મળશે. ત્રીજી સર્કલ લેવલની કમિટી બનાવવામાં આવી છે, જે દર ત્રણ મહિને મિટિંગ યોજશે અને ત્યારબાદ યોગ્ય પરિણામ મળતા વર્ષમાં બે વખત મિટિંગ યોજશે. આ કમિટીઓમાં રેલવે અને વન વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સામેલ છે. સિંહો ઉપર નજર રાખવા તેઓ કેમેરા લગાવશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરશે. જેથી કોર્ટે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, વન વિભાગ હવે પોતાની જવાબદારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર ઢોળી દેશે. રેલવેની એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે, અમરેલીથી ખીજડીયા વચ્ચે નેરોગેજને બ્રોડગેજ કરવાની કામગીરી હાથ ધરાશે. આ વિસ્તાર વન વિભાગમાં આવતો ન હોવાથી તેમાં વન વિભાગની મંજૂરી લેવાની જરૂર નથી. તે ગીર અભયારણ્યથી 44 કિલોમીટર દૂર છે.