અમદાવાદઃ રાજ્યના 5000 પેટ્રોલ પંપધારકો પેટ્રોલ-ડીઝલની ખરીદી નહીં કરે. આ પેટ્રોલ પમ્પોની પડતર માગોને લઈને પેટ્રોલિયમ ડીલર એસોસિયેશન હડતાળ પર ઊતર્યું છે. આવતી કાલે ‘નો પર્ચેસ’નું એલાન કરવામાં આવ્યું છે. ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિયેશને કમિશન માટે અનેક વખત સરકારને રજૂઆત કરી હોવા છતાં માગ ન સંતોષાતાં હડતાળનું આહવાન કરવામાં આવ્યું છે.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું હતું કે અમારા ટ્રેડમાં ડીલર માર્જિન વધારવા માટે ઓઇલ કંપની તરફથી એક ઠરાવ થયેલો છે કે દર છ મહિને અમારું ડીલર માર્જિન રિવિઝન કરવું. છેલ્લું અમારું ડીલર માર્જિન 1 જૂન 2017એ વધારવામાં આવ્યું હતું. ત્યાર બાદથી છ વર્ષથી અમારું ડીલર માર્જિન રિવાઇઝ થયું નથી. એના માટે અમે ઘણા બધા પત્રો લખ્યા અને જેતે અધિકારીઓને રૂબરૂ મળ્યા છે. તેમ છતાં અમને આજ સુધી કોઇ હકારાત્મક જવાબ મળ્યો નથી. હાલ પેટ્રોલમાં રૂ. 3.10 અને ડીઝલમાં રૂ. 2.3 કમિશન આપવામાં આવે છે.
છેલ્લાં છ વર્ષથી કમિશનમાં વધારો કરવા માટેની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત 17 મહિનાનું CNGનું માર્જિન પણ મળેલું નથી. જેને કારણે પેટ્રોલપંપધારકો રોષે ભરાયા છે અને 15 સપ્ટેમ્બરે પેટ્રોલ ડીઝલની ખરીદી ન કરવાનો નિર્ણય કર્યો છે. જોકે ગ્રાહકોને પરેશાની ન થાય એ માટે વેચાણ ચાલુ રાખવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે ગુજરાત તરફથી એક મેસેજ આપવા માટે 15 સપ્ટેમ્બરે ‘નો પર્ચેસ’નું એલાન કર્યું છે. જેમાં ગુજરાતના 5000 પેટ્રોલ પંપ પેટ્રોલ અને ડીઝલની ખરીદી નહીં કરીને અમે અમારો વિરોધ નોંધાવીશું.