સુરતઃ પાસના નેતા અલ્પેશ કથિરીયાની સૂરત ક્રાઈમબ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રાજદ્રોહના કેસમાં અલ્પેશના શરતી જામીન રદ થયા બાદ અલ્પેશ કથિરીયા છેલ્લા ઘણા સમયથી ફરાર હતો. સૂરતના વેલંજા વિસ્તારમાંથી અલ્પેશની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ડિસેમ્બરમાં પોલીસ સાથે ગેરવર્તન, મારામારી અને ધમકી આપવા સહિતના ગુનામાં વરાછા પોલીસે પાસ(પાટીદાર અનામત આંદોલન સમિતિ)નાં નેતા તેમજ કન્વિનર અલ્પેશ કથિરીયાની અટકાયક કરીને તેને કોર્ટમાં રજુ કર્યો હતો. અલ્પેશ કથિરીયાની ગાડીને પોલીસે ક્રેન પર ચડાવતા સમગ્ર બબાલ શરૂ થઈ હતી. જે બાદમાં અલ્પેશે પોલીસ ઇન્સ્પેક્ટરે તેને લાફો માર્યાનો આક્ષેપ લગાવ્યો હતો.
બાદમાં અટકાયત કરીને તેને વરાછા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. વરાછા પોલીસ સ્ટેશન ખાતે અલ્પેશે હાજર એસીપી તેમજ અન્ય અધિકારીઓ સાથે ગેરવર્તન કરી તેમને ગંદી ગાળો ભાંડી હતી. અલ્પેશના લોકઅપનો વીડિયો પણ સામે આવ્યો હતો. પોલીસ સાથે ગેરવર્તન બાદ પોલીસે રાજદ્રોહના કેસમાં અલ્પેશના જામીન રદ કરવા માટે અરજી કરી હતી. કોર્ટે આ અરજી માન્ય રાખીને અલ્પેશના જામીન રદ કરી દીધા હતા.