સુરત: પંજાબ નેશનલ બેંકને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનાર ભાગેડુ નીરવ મોદીની મિલકત ટાંચમાં લેવામાં આવશે. આ મામલે આજે સૂરતની ચીફ કોર્ટમાં કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. ઓવરવેલ્યુએશન કૌભાંડમાં ડીઆરઆઈ દ્વારા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. કરોડો રૂપિયાની ડ્યૂટી ચોરી મામલે ફરિયાદ બાદ ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.
અગાઉ PNB કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નીરવ મોદીની આશરે 657 કરોડ રુપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. જેમાં જ્વેલરી, બેંક એકાઉન્ટ સહિત અન્ય સંપત્તિ સામેલ હતી.
ઉલ્લેખનીય છે કે, પંજબ નેશનલ બેંક સાથે 13,500 કરોડનું કૌભાંડ આચરી વિદેશ ભાગી જનાર નીરવ મોદીને લંડનની કોર્ટ દ્વારા જામીન આપવાનો ઇનકાર કરાયો હતો. આ મામલે 24મી મેના રોજ વેસ્ટમિનિસ્ટર કોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરાશે. ઓગસ્ટ 2017માં નીરવ મોદીને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે આ વર્ષે 19 માર્ચે લંડનમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તે બાદ કોર્ટે ત્રણ વખત તેની જામીન અરજી ફગાવી છે.