ગુજરાત હાઈકોર્ટની સિવિલ જજ ભરતી પ્રક્રિયા પર સુપ્રીમકોર્ટનો સ્ટે

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાથ ધરવામાં આવેલી સિવિલ જજ (જુનિયર ડિવિઝન) અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની ભરતી પ્રક્રિયાને સુપ્રીમકોર્ટએ સ્ટે આપ્યો છે. હાઈકોર્ટ દ્વારા ઉમેદવારો માટે ન્યુનત્તમ લાયકાતના નક્કર માપદંડ નક્કી કર્યા વગર જ ભરતી શરૂ કરવામાં આવતા સુપ્રીમકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટીન જયોર્જ મસીહની ખંડપીઠે હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને રાજ્યના મુખ્ય સચિવ સહિતના અધિકારીઓને નોટિસ પાઠવી છે. આ કેસની આગળની સુનાવણી 18 માર્ચે હાથ ધરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, 30મી જાન્યુઆરીએ ગુજરાત હાઈકોર્ટે જાહેર કરેલી ભરતી સૂચનામાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ઉમેદવારને ન્યુનત્તમ કેટલાં વર્ષની વકીલાતની પ્રેક્ટિસ હોવી જોઈએ. સુપ્રીમકોર્ટના મતે, ન્યાયિક સેવામાં પ્રવેશ માટે ફ્રેશર્સને તક આપવી કે નહીં તે અંગે ત્રણ જજોની ખંડપીઠે ચુકાદો અનામત રાખ્યો છે. આ પરિસ્થિતિમાં, હાઈકોર્ટે ભરતી પ્રક્રિયા ચાલુ રાખવી જોઈએ નહીં, તેમ સુપ્રીમકોર્ટનું માનવું છે.

આ મામલે સુપ્રીમકોર્ટની ત્રણ જજોની ખંડપીઠમાં વિશ્રત સુનાવણી થઈ છે, જેમાં તમામ રાજ્ય સરકારો અને હાઈકોર્ટોની દલીલો સાંભળ્યા બાદ અંતિમ ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. આ સ્થિતિમાં, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઉતાવળમાં ભરતી પ્રક્રિયા આગળ ધપાવવી યોગ્ય નથી, તેમ કોર્ટે જણાવ્યું.

ઑલ ઈન્ડિયા જજીસ એસોસિએશન દ્વારા કરવામાં આવેલી અરજી બાદ સુપ્રીમકોર્ટે આ સ્ટે ફરમાવ્યો છે. અરજદાર એસોસિએશને હાઈકોર્ટના સિંગલ જજ દ્વારા કેટલાક ઉમેદવારોને પ્રોવિઝનલ પ્રેક્ટિસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોવાના હુકમ સામે પણ સ્ટે માંગ્યો હતો. આ સંદર્ભે સુપ્રીમકોર્ટએ સ્પષ્ટતા કરી છે કે જે સુધી આ મુદ્દા પર અંતિમ ચુકાદો ન આવે, તે દરમિયાન ગુજરાત હાઈકોર્ટની આ ભરતી પ્રક્રિયાને સ્થગિત રાખવી પડશે.