સુરતમાં ફી મામલે સ્કૂલે કરેલી સજાના કારણે વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા?

રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને સમયાંતરે વિવિધ કારણોસર જીવન ટૂંકાવવાનાં બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે સુરતમાં ફરી એકવાર આપઘાતનો બનાવ બન્યો છે. આજે (21મી જાન્યુઆરી) શહેરના ગોડાદરા વિસ્તારમાં ધોરણ આઠ અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વિદ્યાર્થીની ગોડાદરા વિસ્તારમાં જ આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઈન્ટર્નલ પરીક્ષામાં બેસવા દીધી ન હતી અને આખો દિવસ ક્લાસ બહાર ઊભી રાખી હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે. સ્કૂલમાં કરાયેલી સજાના કારણે વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હતી અને સ્કૂલે જવાનો ઈન્કાર કરતી હતી. તેના માતા-પિતા કામઅર્થે બહાર હતા, ત્યારે પોતાના ઘર પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તો બીજી તરફ સ્કૂલ સંચાલકે પરિવારના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યાં છે. સાથે કહ્યું કે, છોકરાઓ સાથે ફી બાબતે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. વાલીઓને જ ફી મામલે કહેવામાં આવે છે. બાળકીને તેનો પરિવાર જ ટોર્ચર કરતો હતો. હાલ વિદ્યાર્થિનીના વાલી દ્વારા સ્કૂલ સંચાલકો સામે ગંભીર આક્ષેપ કરાતા શિક્ષણ વિભાગ દ્વારા અને આપઘાત મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.