અમદાવાદ- શ્રાવણ માસની શરૂઆત સાથે જ ઠેર ઠેર ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે, આમ તો શ્રાવણ મહિનો તહેવારોનો જ મહિનો હોય છે. ત્યારે દક્ષિણ ગુજરાતનાં નવસારી શહેરની આગવી ઓળખ બનેલા દિવાસાના તહેવારને ઉજવવા માટે ભક્તોની ભીડ ઉમટી પડે છે.
અંદાજે 200 વર્ષ જૂના આ દિવાસાના ઢીંગલા બાપાના મહોત્સવ પાછળ પૌરાણિક માન્યતા છે, જેની પાછળ લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. માન્યતા પ્રમાણે નવસારીના દાડીવાડ વિષસ્તારમાં 200 વર્ષો પહેલા કોલેરાના રોગે હાહાકાર મચાવતા અનેક લોકોના મૃત્યુ થયા હતા જેને પગલે કોલેરાથી મુક્તિ મેળવવા માટે લલ્લુ રાઠોડ નાંમના સ્થાનિકએ ઢીંગલા બાપાની મુર્તિ બનાવીને તેના વિસર્જન કરવાની શરૂઆત કરી હતી.
વર્ષો પહેલા શરૂ થયેલી પરંપરાને આ જ પરિવારના ચોથા વંશજ રતિલાલ રાઠોડે અકબંધ રાખી છે, દાંડીવાડના સ્થાનિકોએ ઢીંગલા બાપાને ભગવાન માનીને બાધાઑ રાખીને મનોવાંછિત ઈચ્છાઓ પૂર્ણ થતાં નાની 100 થી વધુ ઢીંગલીઓ અને પરીક્ષામાં પાસ થનાર વિધાર્થીઓ દ્વારા પુસ્તકો અર્પણ થાય છે.
બીજી તરફ દીવાસા તરીકે ઓળખાતા આ વિશિષ્ટ તહેવારથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં નવસારીની અલગ ઓળખ બની છે. શ્રાવણ માસની શરૂઆત સાથે જ અમાસનો સયોગ આવતા નવસારીના હળપતિ સમાજ દિવાસાના તહવારને ઉજવે છે.
અસાધ્ય રોગ અને અટકેલાં કામો બાબતે માનતા રાખી આજુબાજુ વિસ્તારના લોકોમાં ઢીંગલા બાપામાં આસ્થા ધરાવે છે. દરવર્ષે અમાસને દિવસે નવસારીના દાંડીવાડથી વેરાવળ સુધી શોભા યાત્રા કાઢવામાં આવે છે, અને ત્યારબાદ ભારે હ્રદય સાથે ઢીંગલા બાપાને વિસર્જિત કરાય છે.