ભારે વરસાદથી પીડિત દક્ષિણ ગુજરાત, વિવિધ રાહત અને બચાવકાર્યો, રોગચાળાનો ભય…

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં અત્યારે જોરદાર મેઘમહેર જોવા મળી રહી છે. પહેલા સુરતની વાત કરીએ તો સુરતમાં અત્યારે જોરદાર વરસાદ વરસી રહ્યો છે.

સુરત જિલ્લાના મહુવા તાલુકામાં અનરાધાર વરસાદના કારણે મહુવાના અલગટ અને વાલોડના અલગટ ગામને જોડતો ખાડી પરનો કોઝવે, નળધરા અને ડુંગરી ગામને જોડતો ધુમાસી ખાડી પરનો કોઝવે,કોષ અને ઉપલી કોષને જોડતો કોષ ખાડી પરનો કોઝવે, વેહલવ અને તરકાણી ગામને જોડતો કોષખાડી પરનો કોઝવે, વાલોડ તાલુકામાં ઘાણી અને બામણામાળને જોડતો ઓલણ નદી પરનો કોઝવે,ભગવાનપુરા અને સાંબા ગામને જોડતો ઓલણ નદી પરનો કોઝવે, સેવાસણ અને વાછાવાડ ગામને જોડતો ટોકરવા ખાડી પરનો કોઝવે મહુવરીયા અને હળદવા ગામની વચ્ચે કોતર પર આવેલો કોઝવે, ધોળીકુઈ અને દેદવાસણ ગામને જોડતો કોતર પર આવેલો કોઝવે, કઢૈયા અને ડુંગરી ગામને જોડતો ધુમાસી ખાડી પરનો કોઝવે,વાઘેશ્વર અને ઘડોઈ ગામને જોડતો કોઝવે, ઘડોઈ અને ગોપલા ગામને જોડતો ખાડી પરનો કોઝવે, ધામખડી અને માછીસાદળા ગામને જોડતો ઓલણ નદી પર આવેલ કોઝવે આ તમામ પાણીમાં ગરક થતાં કોઝવેની બંન્ને તરફના ૨૬થી વધારે ગામડાના લોકોનો અવરજવર થંભી ગઈ હતી.

ડાંગ જિલ્લામાં ભારે મેઘ ખાંગા થતાં ડાંગ જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવતા 21થી વધુ કોઝવે કમ પુલો દિવસભર પાણીમાં ગરકાવ થયા હતા અને રાજ્ય ધોરીમાર્ગોમાં રવિવારે અનેક જગ્યાએ ભેખડો ધસી પડતા ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં દસેક દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રવિવારે સતત દસમા દિવસે પડેલા ધોધમાર વરસાદના પગલે જિલ્લાની લોકમાતા નદીઓ અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણામાં ઘોડાપૂર આવતા ગાંડીતૂર બની વહેતી હતી. શનિવારે રાતથી રવિવારે દિવસ દરમિયાન ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારોમાં મુશળધાર વરસાદ ખાબકતા ચારેય લોકમાતાઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કેટલાક ખેડૂતોના ડાંગર રોપેલા ખેતરોમાં નદીના પાણી ફળી વળતા વ્યાપક નુકસાન થયું છે. ડાંગ જિલ્લામાં સતત દસ દિવસથી અવિરતપણે ખાબકી રહેલ વરસાદના પગલે ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

21થી વધુ કોઝવે કમ પુલ પૂરના પાણીમાં ગરકાવ થઈ જતાં 33થી વધુ ગામડાઓ જિલ્લાના વહીવટી મથકથી વિખૂટા પડી સંપર્કવિહોણા બન્યા હતા. રવિવારે ઘોડવહળ કોઝવે, સૂપદહાડ કોઝવે, આંબાપાડા કોઝવે, કુમારબંધ કોઝ વે, ચીખલંદા કોઝ વે, સુસરદા કોઝ વે, ઉગા ચિચપાડા કોઝ વે, ખાતળ-ઘોડી કોઝ વે, દબાસ કોઝ વે, પાંડવા કોઝ વે, કુડકસ કોઝવે, ગાયખાસ કોઝ વે, લિંગા કોઝ વે, ચવડવેલ કોઝ વે, કોસંબિયા કોઝ વે, ચૌકયા કોઝ વે, સતીવાંગણ કોઝ વે, કાકડવિહીર કોઝ વે, ધૂળચોંડ કોઝ વે, ચીખલા કોઝ વે, પીપલદહાડ કોઝ વે દિવસભર ગરક રહ્યા હતા. જેના પગલે સતત દસમા દિવસે ઘોડવહળ, સૂપદહાડ, લહાનબર્ડા, સૂર્યાબર્ડા, આંબાપાડા, ઉંગા, ચિચપાડા, કુમારબંધ, બોરદહાડ, ચીખલદા, ઘોડી, ચીખલા, ધૂળચોંડ, ભેંડમાળ, મલિન લવાર્યા, આમસરવળણ, દગડીઆંબા, કુતરનાચ્યા, વાંગણ, સતિ, લહાનદબાસ, મોટીદબાસ, ચવડવેલ, ગાયખાસ, અંજનકુંડ, ચૌકયા, પાંડવા, કોસંબિયા, લિંગા, કાકડવિહીર, ખેરીન્દ્રા, જોગથવા સહિતનાં ૩૩થી વધુ ગામડા જિલ્લાનાં વહીવટી મથકેથી વિખૂટા પડી સંપર્કવિહોણા બન્યા હતા.

આ ગામડાઓના આવન-જાવનના માર્ગો બંધ રહેતા ૧૦,૦૦૦થી વધુ લોકોનું જનજીવન પ્રભાવિત થયું હતું. ડાંગ જિલ્લામાં શનિવારે રાતે ધોધમાર વરસાદ ખાબકતા આહવા-વઘઈ સ્ટેટ ધોરીમાર્ગનાં ઘોઘલી ઘાટ સહિત પાંચેક જગ્યાએ તથા પીંપરી-કાલીબેલ-ભેંસકાતરી રાજ્ય ધોરીમાર્ગમાં તેમજ વઘઈ-સાપુતારા આંતરરાજ્ય ધોરીમાર્ગના મકરધ્વજ મંદિર નજીક ભેખડો, મોટી અને વૃક્ષો ધરાશાયી થઈને ધસી પડતાં રાતથી રવિવારે બપોર સુધી આ માર્ગ ચક્કાજામ રહ્યો હતો. જેનાં પગલે વાહનવ્યવહાર ખોરવાયો હતો. જોકે ડાંગ સ્ટેટ ધોરીમાર્ગનાં નાયબ કાર્યપાલક ઈજનેર ધર્મેશભાઈ પટેલ અને અમિષભાઈ પટેલની ટીમે જેસીબી કાર્યરત રાખી અવરોધ હટાવ કામગીરી હાથ ધરી વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો. કેટલાક ગામડાઓમાં વીજપોલ ઉપર વૃક્ષો પડી જવાનાં પગલે વીજળી ડુલ થઈ જતાં અંધારપટ છવાયો હતો. મોટાભાગનાં આંતરિક રસ્તાઓ, કોઝ વે કમ પુલો તથા મુખ્યમાર્ગોની સાઈડો ધોવાઈ જતા મોટી ખાનાખરાબી સર્જાવાની સાથે ઠેરઠેર નુકસાનીનાં અહેવાલો સાંપડી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં વરસી રહેલા ભારે વરસાદનાં લઈને મધુબન ડેમનું જળસ્તર સતત વધી રહ્યું છે. ડેમનાં તમામ દસ દરવાજા ૫.૭૦ મીટર ખુલ્લા હોવા છતાં જળસપાટી ૭૫.૦૫ મીટરે પહોંચી ચૂકી છે. વાપી સેલવાસમાં વરસાદનો આંકડો ૧૦૦ ઇંચને આંબવાને નજીક છે. દાદરા નગર હવેલીમાં દમણગંગા નદીના કિનારા ઉપર સતત પોલીસ પેટ્રોલિંગ ગોઠવાયેલું છે.

રવિવારે પણ દક્ષિણ ગુજરાતમાં વલસાડના કપરાડામાં ૧૫ ઇંચ, વાંસદા અને ખેરગામમાં ૧૧ ઇંચ, વાપીમાં ૧૦ ઇંચ અને સુરતના ઉમરપાડામાં ૯ ઇંચ વરસાદ નોંધાયો હતો.નવસારીમાં ૩ હજાર લોકોનું સ્થળાંતર કરાવાયું હતું.   સુરત જિલ્લામાં ૭૨૧ વ્યક્તિ અને ચીખલીમાં ૪૦૦ વ્યક્તિઓનું સ્થળાંતર કરાવાયું હતું. વલસાડના ધરમપુરના પીપરોળ ગામની મહિલા રસ્તો ઓળાંગતી વેળાં નદીમાં તણાઇ ગઇ હતી. ડાંગના ૨૧ કોઝવે પુલ આજે પણ વરસાદી પાણીમાં ગરક હોવાથી ૩૩ ગામના સંપર્ક વિહોણા થઇ ગયા હતા. છેલ્લા બે દિવસથી આ ૩૩ ગામના લોકો સંપર્ક વિહોણા બન્યાં છે.