ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ સીએમ અને કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતા અને અત્યારે એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાના બંગ્લામાં ચોરી થઈ હોવાના સમાચારો પ્રાપ્ત થયા છે. શંકરસિંહ વાઘેલાના નિવાસ્થન વસંત વગડામાં ઘરઘાટી તરીકે કામ કરતા દંપતી 12 તોલા સોનું અને 3 લાખ જેટલા રોકડ રુપિયા લઈને ફરાર થઈ ગયા છે.
શંકર સિંહ વાઘેલાના બંગ્લા પર ચાર વર્ષથી એક નેપાળીને કામે રાખ્યો હતો, આ વ્યક્તિ પોતાની પત્ની અને બાળકો સાથે વસંત વગડામાં રહેતો હતો. નેપાળી ચોકીદાર ઓક્ટોબરથી જ પત્ની અને બાળકો સાથે જતો રહ્યો અને પાછો નથી આવ્યો. અને 7મી ફેબ્રુઆરીએ કબાટમાં મુકેલા દાગીના અને રોકડ પણ નહોતી મળી.
ઘટનાને પગલે પેથાપુર પોલીસે ગુનો નોંધી દંપતીની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું હતું કે, તેઓ નેપાળ ગયા પછી તેમને પાછા બોલાવવામાં આવ્યા હતો, પરંતુ તેઓ આવ્યા નહોતા, જેથી ચોરીની સોય તેમના પર આવે છે.
આ સિવાય જાણવા મળી રહ્યું છે કે, જે રૂમમાં દાગીના અને રોકડ મૂકી હતી તે રૂમની સાફસફાઈ શંભુ અને તેની પત્ની કરતા હતા. શંભુને ફોન કરી પરત આવવાનું કહેતા હું પરત આવી જઈશ તેમ કહ્યું હતું છતાં પરત આવ્યો ન હતો. જેથી આ ઘરઘાટી દંપતીએ જ ચોરી કરી હોઈ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.