ગુજરાતમાં આ વર્ષ લલનીનોને કારણે ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે ગુજરાતના જળાશયોમાં પણ પાણીની ધરખમ આવક નોંધાય છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 138.61 મીટરે પહોંચી ગઈ છે. હવે ડેમ તેની મહત્તમ સપાટીથી માત્ર 6 સેન્ટીમીટર જ દૂર છે. મળતી માહિતી અનુસાર આવતીકાલે માં નર્મદાના વધામણાં કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે સરદાર સરોવર નર્મદા ડેમનું સંપૂર્ણ કામ 2017માં પૂર્ણ થયુ હતું, ત્યારે 16 સપ્ટેમ્બર 2017એ ભરાયો હતો, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવીને નર્મદાનું પૂજન કર્યું હતું અને 7 વર્ષથી સતત સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી વટાવી રહ્યો છે અને ચાલુ વર્ષે 2024માં પણ 1 ઓક્ટોબરે 2024એ ફરી નર્મદા ડેમ છલોછલ ભરાશે.
સરકારી આકડા પ્રમાણે આજે સરદાર સરોવર નર્મદા ડેમ 138.61 મીટર પર છે. જ્યારે આજે પાણીની આવક 81508 ક્યુસેર નોંધાય રહી છે. જ્યારે ડેમમાંથી 80980 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. અને ડેમની જળ સપાટી આજે 138.61 મીટરે પહોંચતા હવે માત્ર 6 સેન્ટીમીટર ડેમ ખાલી રહ્યો છે, ત્યારે સીઝનમાં આ વખતે સંપૂર્ણ ડેમ 1 ઓક્ટોબર 2024 એટલે કે આવતીકાલે ભરાઈ જશે. સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાઈ જવાની ખુશીમાં એક મોટો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે 10.30 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માં નર્મદાના વધામણાં કરવા આવી રહ્યા છે. જેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નર્મદાના વધામણાંના બેનરો પણ લાગી ગયા છે. કેવડિયાના બ્રાહ્મણો દ્વારા વિધિ સાથે માં નર્મદાના વધામણાં કરાશે. જોકે આ વધામણાં બાદ નર્મદા ડેમના 10થી વધુ દરવાજા ખોલવામાં આવશે અને નર્મદા નદી બે કાંઠે થશે. જેને લઈ ભરૂચ નર્મદા અને વડોદરાના 42 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
બીજી બાજું સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ હોવાથી ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત શનિવારે મોડીરાતના શેત્રુંજી ડેમ 90 ટકા ભરાઈ ગયો હતો તેથી નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. આજે સોમવારે શેત્રુંજી ડેમની સપાટી 34 ફૂટે પહોંચતા નીચાણવાળા 17 ગામોને ઍલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત્ રહેતાં ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે.