અમદાવાદઃ સંત સદારામ બાપુ લાંબી બીમારી બાદ દેવલોક પામ્યા હતાં ત્યારે આજે તેમની અંતિમ યાત્રા નીકળી હતી. જેમા લાખો લોકોની જનમેદની ઉમટી હતી. સંત સદારામ બાપુનાં અતિમ દર્શન માટે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર, કેબિનેટ મંત્રી દિલીપસિંહ ઠાકોર, પૂર્વ પ્રધાન કેશાજી ચૌહાણ સહિતના રાજકીય અગ્રણીઓ પહોંચ્યા હતા. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ટોટાણા ગામમાં પહોંચી સંતને શ્રદ્ધાંજલિ આપી હતી.
ભક્તો અને લોકોને બાપુના દર્શન થાય તે માટે આશ્રમથી પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાલખી યાત્રા ટોટાણાથી નીકળી થરા શહેરમાં કાઢવામાં આવી રહી હતી. બાપુને શ્રદ્ધાજલિ આપવા માટે થરા શહેર દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું હતું. ટોટાણામાં વિધિવત રીતે બાપુના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. અનેક મોટા નેતાઓ અને મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોની હાજરીમાં બાપુને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, સંત સાદારમ બાપા પાટણની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જોકે, મંગળવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બાદમાં તેમને ટોટાણા ખાતે પોતાના પોતાના આશ્રમ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમણે સાંજે અંતિમ શ્વાસ લીધા હતો.