રાજકોટ પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઈવ, નિયમોનું ઉલ્લંઘન કરનારને દંડ

રાજકોટઃ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવા અને ટ્રાફિક નિયમોનું કડક રીતે પાલન થાય તે માટે પોલીસ દ્વારા આજે મેગા ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવી હતી. રાજકોટ શહેરમાં કુલ 18 જગ્યા પર એક ડીસીપી, બે એસીપી સહિત 150થી વધુ પોલીસ કર્મી દ્વારા મેગા ડ્રાઇવ કરવામાં આવી હતી.

જેમાં ટ્રાફિક નિયમનું પાલન ન કરનારને અટકાવી દંડ વસૂલી ટ્રાફિક નિયમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરી રાજકોટમાં લોકો વધુને વધુ હેલ્મેટ પહેરી પોતાની સલામતી જાળવે તે માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સાથે આજના દિવસે લાયસન્સ વગર વાહન ચલાવતા વિદ્યાર્થીઓને રોકી દંડ ફટકારી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

શહેરમાં છેલ્લા બે વર્ષમાં બનેલા અકસ્માતના બનાવોનું એનાલિસીસ કરી તેમજ પ્રબુધ્ધ નાગરિકો અને જુદી-જુદી સંસ્થાઓના આગેવાનો સાથે ટ્રાફિકની જાગૃતિ અંગે ‘ઓપન ફોરમ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં થયેલા સુચનો અને ચર્ચાને ધ્યાને લઇને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીની સુચના તથા ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન તથા એસીપી ટ્રાફિક બી.એ. ચાવડા અને એસીપી પશ્ચિમ પી. કે. દિયોરાના સુપરવિઝન હેઠળ આજે શહરેના અલગ-અલગ પોઇન્ટ પર દોઢ કલાક સુધી હેલ્મેટ માટે મેગા ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી.

આ ડ્રાઈવમાં કુલ ૧૩૭૪ કેસ કરી રૂ. ૧,૪૧,૩૫૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. એસીપી ટ્રાફિક બી.એ. ચાવડાના જણાવ્યા મુજબ શહેરના કાલાવડ રોડ, ગોંડલ રોડ ચોકડીએ અલગ-અલગ ટીમો મુકી સવારે દસથી સાડા અગિયાર સુધી ડ્રાઇવ યોજવામાં આવી હતી. અકસ્માતે મૃત્યુના કિસ્સામાં મોટા ભાગે હેલ્મેટના અભાવે મૃત્યુ થયાનું સામે આવ્યું હોઇ આજની ડ્રાઇવમાં હેલ્મેટને પ્રાધાન્ય આપી વાહન ચાલકોના આ અંગે જાગૃતિ લાવવા ટ્રાફિક ભંગના એનસી કેસ કરવામાં આવ્યા હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]