વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા જાહેર કરાયેલા ચોંકાવનારા આંકડા મુજબ વર્ષ 2050 સુધીમાં મોટા ભાગની દવાઓ બિનઅસરકારક બની જશે. જો સમયસર વિકલ્પ ન શોધાય તો પેન ડ્રગ રેઝિસ્ટન્ટ બેક્ટેરિયાના કારણે કરોડો લોકોના જીવનને જોખમ થશે. આ ગંભીર સમસ્યાનો જવાબ શોધવા માટે ચારુસેટ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સીસના ડીન અને BDIPSના પ્રિન્સીપાલ ડો. ધારા એન. પટેલ દ્વારા અત્યંત મહત્વપૂર્ણ રિસર્ચ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા ડો. ધારા પટેલના “ઇન્ટિગ્રેટિવ ઓમિક્સ એપ્રોચેસ ટુ ડિસિફર કિલ સ્વીચીસ ઇન પેન ડ્રગ રેઝિસ્ટન્ટ પેથોજેન્સ આઇસોલેટેડ ફ્રોમ ટનેલ્ડ કફ્ડ કેથેટર ટિપ્સ” નામના રિસર્ચ પ્રોજેક્ટ માટે 2024-2025 અંતર્ગત કુલ રૂ. 62,07,262/- ની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. ડો. ધારા પટેલ આ પ્રોજેક્ટના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર છે અને કિડની હોસ્પિટલ-નડિયાદના નેફ્રોલોજી ડીપાર્ટમેન્ટના ચેરમેન ડૉ. શિશિર ગંગ કો- ઇન્વેસ્ટિગેટર છે જેઓ ત્રણ વર્ષ માટે આ પ્રોજેક્ટ પર કામ કરશે.
ડૉ. ધારા પટેલ કહે છે કે, આ પ્રોજેક્ટનો હેતુ બેકટેરિયાના કિલ સ્વીચને ઓળખવાનો અને એવું ટ્રીગર બટન શોધવાનું છે જેનાથી એ બેકટેરિયાને આત્મહત્યા કરવા માટે મજબુર કરશે. જેમ સ્વીચ પાડવાથી લાઈટ ચાલુ થાય એવી જ રીતે સ્વીચ પાડવાથી બેકટેરિયા મૃત્યુ પામશે. આ પ્રોજેક્ટ દ્વારા જે ડેટા જનરેટ થશે તે KILL SWITCHES ને ઓળખવા માટે વપરાશે અને એન્ટી બાયોટીકના વપરાશ વગર આવા રેસીસ્ટન્ટ બેકટેરિયાને ટ્રીટ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ હેઠળ ડો ધારા પટેલ ડાયાલીસીસ કરતા દર્દીઓમાં રહેલા આવા ખતરનાક બેકટેરિયાઓ ઉપર રિસર્ચ કરશે. ડાયાલીસીસમાં વપરાતું કેથેટર ઘણી વાર આવા રેસીસ્ટન્ટ બેકટેરિયાથી કામ કરતું બંધ થઇ જાય છે. આ કેથેટર રિપ્લેસ કરવું પડે તો દર્દીઓને માનસિક-આર્થીક બોજ બને છે અને એવા દર્દી પર કોઈ એન્ટી બાયોટીકસ પણ કામ કરતી નથી એટલે આ પ્રોજેક્ટથી એન્ટી બાયોટીકસની ટ્રીટમેન્ટ વગર આવા બેકટેરીયાને કેવી રીતે કાબુમાં કરી શકાય અને તે કેથેટરનું આયુષ્ય કેવી રીતે વધારી શકાય જે દર્દીને લાભદાયી થાય તે હેતુથી કામ પાર પાડવામાં આવશે.
